દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝિયમ હવે માત્ર જૂની વસ્તુઓના સંગ્રહ કેન્દ્ર નહીં રહીને અનુભવ, શિક્ષણ અને સંશોધનના જીવંત કેન્દ્ર તરીકે વિકસ્યા છે.
ગુજરાત, જે હંમેશા કલા અને સંસ્કૃતિ માટે જાણીતું રહ્યું છે, ત્યાં વડોદરાનું બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી અને ભાવનગરનું બાર્ટન મ્યુઝિયમ જેવા પરંપરાગત સંગ્રહાલયોએ દાયકાઓથી રાજ્યની ઓળખ જાળવી રાખી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે મ્યુઝિયમની પરિભાષા બદલીને તેને વધુ ઈન્ટરેક્ટિવ અને ટેકનોલોજી આધારિત બનાવ્યું છે.
ગુજરાતના મહત્વપૂર્ણ આધુનિક હેરિટેજ મ્યુઝિયમ્સ
મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટિત આ કેન્દ્રમાં પ્રાચીન જૈન હસ્તપ્રતો, સિક્કાઓ અને દુર્લભ કલાકૃતિઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર સંશોધન અને જ્ઞાનના વૈશ્વિક હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે.
સ્મૃતિવન ભૂકંપ સ્મારક (ભૂજ)
2001ના ભૂકંપની સ્મૃતિમાં બનેલું આ 470 એકરમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. અહીં 12,932 પીડિતોના નામ કંડારવામાં આવ્યા છે અને મલ્ટીમીડિયા અનુભવ દ્વારા ભૂકંપની જીવંત અનુભૂતિ કરાવવામાં આવે છે. આ મ્યુઝિયમને વૈશ્વિક સ્તરે માન્યતા પણ મળી છે.
દાંડી કુટિર (ગાંધીનગર)
મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક મ્યુઝિયમ, જેમાં 3D મેપિંગ, હોલોગ્રાફી અને 360 ડિગ્રી પ્રેઝન્ટેશન દ્વારા દાંડીકૂચનો ઈતિહાસ રજૂ કરવામાં આવે છે.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ (કેવડિયા, નર્મદા)
સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને આદિવાસી સંસ્કૃતિને દર્શાવતું આ મ્યુઝિયમ ઑડિયો-વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો સાથે પ્રવાસીઓને આકર્ષે છે.
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (લોથલ)
5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ અને ભારતના સમુદ્રી વેપારને જીવંત કરતું આ પ્રોજેક્ટ 14 ગેલેરીઓ અને વિવિધ થીમ પાર્ક સાથે વિકસિત થઈ રહ્યું છે.
પ્રેરણા અને પુરાતત્વીય મ્યુઝિયમ (વડનગર)
ભારતની પ્રાચીન નગરરચના અને પુરાતત્વીય વારસાની ઝાંખી કરાવતું મહત્વપૂર્ણ કેન્દ્ર.
ટેકનોલોજી સાથે જોડાયેલ નવી મ્યુઝિયમ સંસ્કૃતિ
અમદાવાદ સાયન્સ સિટીની રોબોટિક અને એક્વેટિક ગેલેરીઓ VR અને AR ટેકનોલોજી દ્વારા વિજ્ઞાન અને ઇતિહાસને જીવંત અનુભૂતિમાં ફેરવી રહી છે. આગામી સમયમાં સુરત અને જામનગરમાં પણ નવા સાયન્સ સેન્ટર્સ વિકસાવવાની યોજના છે.
સાબરમતી આશ્રમ અને દાંડી કુટિર જેવા સ્થળો શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાઈને નવી પેઢીને સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા સરળ રીતે સમજાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની થીમ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની થીમ “સાંસ્કૃતિક, સામાજિક અને ભૌગોલિક મતભેદો વચ્ચે સંવાદ, સમાવેશ અને શાંતિને પ્રોત્સાહન” રાખવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel