ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે પુરાવા નાશ કરવામાં મદદ કરનાર અન્ય એક આરોપીને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે.
સેશન્સ જજ કે.આર. રબારીએ આપેલા આ ચુકાદાને કાયદાકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું હતું કે આરોપીઓએ અત્યંત ક્રૂરતા અને પૂર્વ આયોજિત કાવતરાથી હત્યા કરી હતી, જે સમાજ માટે ગંભીર સંદેશ આપે છે.
₹1.50 લાખની ઉઘરાણી બની હત્યાનું કારણ
કેસની વિગતો મુજબ મૃતક અકબરે ઈલોલ ગામમાં આવેલી પોતાની હેરકટિંગ સલૂનની દુકાન મોહમ્મદ નદીમને કોન્ટ્રાક્ટ પર આપી હતી. દુકાનના સાધનો અને સામાનના બદલામાં અકબરને અંદાજે ₹1.50 લાખ મળવાના બાકી હતા.
અકબર વારંવાર પોતાના પૈસાની માંગણી કરતા હોવાથી મુખ્ય આરોપી મોહમ્મદ નદીમ અને તેના સાથીઓ પર દબાણ વધી રહ્યું હતું. પ્રોસિક્યુશન મુજબ, આર્થિક જવાબદારીમાંથી છૂટકારો મેળવવા માટે આરોપીઓએ અકબરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ફેસવોશના બહાને સલૂનમાં બોલાવી કરી હત્યા
11 માર્ચ 2023ના રોજ આરોપીઓએ અકબરને પૈસા આપવાના બહાને સલૂનમાં બોલાવ્યા હતા. શરૂઆતમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ફેસવોશ કરવાના બહાને ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા.
ત્યારબાદ આરોપીઓએ અચાનક કાતર અને અસ્ત્રા જેવા તીક્ષ્ણ હથિયારો વડે તેમની ગરદન અને શરીર પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે અકબરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
લાશને ડોલમાં ભરીને ફેંકી દીધી
હત્યા બાદ આરોપીઓએ ગુનો છુપાવવા માટે મૃતદેહને કપડામાં લપેટી પ્લાસ્ટિકની ડોલમાં ભરી દીધો હતો. ત્યારબાદ લાશને ગામની સીમમાં આવેલી એક નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.
પુરાવા નાશ કરવા માટે લોહી લાગેલા કપડાં અને અન્ય સામગ્રી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અનેક પ્રયાસો પણ કર્યા હતા.
ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી મોહમ્મદ નદીમે પોતે જ અકબર ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. તેનો હેતુ પોલીસની શંકા પોતાની તરફ ન જાય તેવો હતો.
પરંતુ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક તપાસ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય ટેકનિકલ માહિતીના આધારે સમગ્ર કાવતરાનો ભાંડો ફોડી નાખ્યો હતો.
કોર્ટે ફટકારી કડક સજા
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓના આધારે મુખ્ય આરોપી મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે ગુનાની ગંભીરતા, ક્રૂરતા અને પૂર્વ આયોજનને ધ્યાનમાં રાખીને બંનેને ફાંસીની સજા ફટકારી હતી.
જ્યારે પુરાવા નાશ કરવામાં મદદ કરનાર પરવેઝ મુશર્રફને 7 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી હતી.
કોર્ટના આ ચુકાદાને પીડિત પરિવાર માટે ન્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સાથે જ સમાજમાં ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel