મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત મોટા રાજકીય ભૂકંપની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT)માં ફરી ભંગાણ સર્જાશે તેવી અટકળો વચ્ચે પક્ષના કેટલાક લોકસભા સાંસદો દિલ્હીમાં પહોંચ્યા હોવાના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર UBTના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6થી 7 સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
અહેવાલો મુજબ, દિલ્હી પહોંચેલા સાંસદો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને અલગ જૂથ તરીકે માન્યતા મેળવવા અથવા શિંદે જૂથ સાથે જોડાવા અંગે રજૂઆત કરી શકે છે. સાથે જ તેઓ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે તેમજ તેમના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે સાથે પણ બેઠક કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
આ દરમિયાન શિવસેના (UBT)ના વરિષ્ઠ સાંસદ અરવિંદ સાવંતે પરિસ્થિતિને ગંભીરતાથી લઈને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે જો કોઈ સાંસદોનો જૂથ અલગ થવાનો દાવો કરે તો તેને માન્યતા આપવામાં ન આવે. તેમણે દલીલ કરી છે કે બંધારણની દસમી અનુસૂચિમાં થયેલા સુધારા બાદ ‘સ્પ્લિટ’ અથવા પક્ષવિભાજનની જોગવાઈ હવે માન્ય નથી અને સાંસદોની માન્યતા મૂળ રાજકીય પક્ષ સાથે જ જોડાયેલી રહે છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે શિવસેનાના મૂળ વિભાજનનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
બીજી તરફ, કેટલાક સાંસદોએ ભંગાણના અહેવાલોને નકારી કાઢ્યા છે. મુંબઈ ઉત્તર-પૂર્વના સાંસદ સંજય દીના પાટીલ અને નાશિકના સાંસદ રાજાભાઉ વાજેએ જાહેર રીતે જણાવ્યું છે કે તેઓ હજુ પણ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને પક્ષ સાથે જ છે. તેમ છતાં, કેટલાક અન્ય સાંસદો સંપર્કમાં ન હોવાને કારણે રાજકીય અટકળો વધુ મજબૂત બની રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે તમામ 9 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. જોકે તેમાં માત્ર 4 સાંસદો જ હાજર રહ્યા હતા. આ ઘટના બાદથી જ પક્ષની અંદર અસંતોષ અને સંભવિત બળવાની ચર્ચાઓ તેજ બની ગઈ હતી. હવે દિલ્હીમાં ચાલી રહેલી રાજકીય હલચલને કારણે આ અટકળોને વધુ બળ મળ્યું છે.
જો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા સાચા સાબિત થાય અને 6થી 7 સાંસદો ઉપરાંત 14થી 16 ધારાસભ્યો પણ શિંદે જૂથમાં જોડાય, તો તે ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત સત્તા અને સંગઠનના સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
નોંધનીય છે કે જૂન 2022માં પણ શિવસેનામાં ઐતિહાસિક ભંગાણ સર્જાયું હતું. તે સમયે એકનાથ શિંદેએ પક્ષના 54માંથી 40 ધારાસભ્યોને પોતાના સમર્થનમાં લઈને બળવો કર્યો હતો. ત્યારબાદ શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન પર કાનૂની લડાઈ શરૂ થઈ હતી. અંતે ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથને મૂળ શિવસેના અને પક્ષનું પરંપરાગત ચૂંટણી ચિહ્ન ફાળવ્યું હતું. હવે લગભગ ચાર વર્ષ બાદ ફરી એક વખત શિવસેના UBTમાં ભંગાણની અટકળો સામે આવતા મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel