બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટેની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરતાં જણાવ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 14 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું ગેજેટ નોટિફિકેશન 10 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે, ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર હશે, ઉમેદવારીની સ્ક્રુટની 22 ઓક્ટોબરે થશે અને ઉમેદવારોને 24 ઓક્ટોબર સુધી નામ પાછું ખેંચવાની છૂટ રહેશે. આ વખતની ચૂંટણી બે તબક્કામાં યોજાય તેવી માગણી ભાજપ અને આરજેડી બંનેએ કરી હતી, જ્યારે 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ હતી.
🗓️#SCHEDULE for the GENERAL ELECTION TO THE LEGISLATIVE ASSEMBLY OF BIHAR 2025 – Two Phases
Details 👇#Bihar #BiharElections2025 pic.twitter.com/ZeTBbpX32O
— Election Commission of India (@ECISVEEP) October 6, 2025
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાંથી 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1,725 ટ્રાન્સજેન્ડર મતદારો સામેલ છે. ઉપરાંત રાજ્યમાં 7.2 લાખ દિવ્યાંગ મતદારો, 4.04 લાખ 85 વર્ષથી વધુ વયના મતદારો અને આશરે 14 હજાર 100 વર્ષથી વધુ વયના મતદારો છે. આ સાથે જ આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. આ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.
ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ બનાવવા માટે સુરક્ષા વ્યવસ્થાનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન 500થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે. તમામ જિલ્લાઓમાં સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં અગાઉ હિંસા કે તણાવની ઘટનાઓ થઈ છે.
આ વચ્ચે, વિપક્ષ મહાગઠબંધન તરફથી બેઠક ફાળવણી મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે તેજસ્વી યાદવના નિવાસસ્થાને લાંબી બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના પ્રમુખ મુકેશ સહાની દાવો કર્યો હતો કે બેઠક ફાળવણી પર અંતિમ નિર્ણય થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આમ, બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં સત્તાધારી NDA અને વિપક્ષી મહાગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel