મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને બપોર બાદ મુખ્ય પરિણામો સ્પષ્ટ થવાની શક્યતા છે. શરૂઆતના વલણોમાં મોટાભાગના શહેરોમાં ભાજપ અને તેના ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે.
નાગપુરમાં તમામ 151 બેઠકોના વલણો જાહેર થઈ ગયા છે, જેમાં ભાજપને 113 બેઠકો પર લીડ મળી છે. કોંગ્રેસ 30 બેઠકો પર આગળ છે, જ્યારે શિવસેના (UBT) અને એનસીપીને એક-એક બેઠક પર લીડ મળી છે. અન્ય ઉમેદવારોના ખાતામાં 6 બેઠકો ગઈ છે. આ સાથે નાગપુરમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી ગયું છે. બીજી તરફ, એનસીપી નેતા નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને કુર્લા વેસ્ટની વોર્ડ નંબર 165 બેઠક પરથી પરાજય મળ્યો છે. તેઓ એનસીપી (અજિત પવાર જૂથ)ના ઉમેદવાર હતા.
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી પર સમગ્ર રાજ્યની નજર છે. BMC ચૂંટણીમાં પહેલી જીત કોંગ્રેસના ખાતામાં ગઈ છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 214માં ભાજપના ઉમેદવાર વિજયી થયા છે. અત્યાર સુધી સામે આવેલા વલણોમાં BMCની 46 બેઠકોમાંથી ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ ઠાકરે જૂથ 19 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ દેખાય છે.
પૂણેમાં પણ ભાજપનો મજબૂત દેખાવ જોવા મળી રહ્યો છે. 165 બેઠકોમાંથી 75 બેઠકોના વલણો જાહેર થયા છે, જેમાં ભાજપ ગઠબંધન 52 બેઠકો પર લીડમાં છે. એનસીપી ગઠબંધન 18 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ અને શિવસેના (UBT) ગઠબંધનને માત્ર એક બેઠક મળી છે.
આ દરમિયાન ચૂંટણી પંચે મતદાન દરમિયાન માર્કર પેનના ઉપયોગ અંગે ઉભા થયેલા વિવાદ બાદ મોટો નિર્ણય લીધો છે અને માર્કર પેનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે મતદારોને ગેરમાર્ગે દોરવું લોકતંત્ર પર ગંભીર પ્રહાર સમાન છે. બીજી તરફ, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ભાજપ સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે મતદાન પૂરું થતાં જ BMC કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જે આચારસંહિતા દરમિયાન કેવી રીતે શક્ય છે તે અંગે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિએ આ ચૂંટણીમાં પહેલાથી જ 60થી વધુ બેઠકો બિનહરિફ જીતી લીધી છે. તેમાં ભાજપે 43, એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠકો મેળવી હતી. આ મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને ચૂંટણી પંચે પણ તપાસના આદેશ આપ્યા હતા.
આ તમામ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા BMCની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું વાર્ષિક બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બહુમતી માટે 114 બેઠકો જરૂરી છે. એક્ઝિટ પોલ્સ અનુસાર મહાયુતિ ગઠબંધનને અહીં સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા છે. અંદાજ મુજબ ભાજપ-શિંદે ગઠબંધનને 130થી 150 બેઠકો, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ગઠબંધનને 58થી 68 બેઠકો, કોંગ્રેસ-વીબીએ ગઠબંધનને 12થી 16 બેઠકો અને અન્યને 6થી 12 બેઠકો મળી શકે છે.
15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41થી 50 ટકા મતદાન નોંધાયું હતું. 2017 બાદ પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે, કારણ કે વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર 2022ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પૂણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સમગ્ર રાજ્યની નજર ટકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel