ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ બનતું જાય છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યભરમાંથી 10 હજારથી વધુ ફોર્મ અમાન્ય જાહેર થતાં ચૂંટણીનું સમીકરણ બદલાઈ ગયું છે.
આ વચ્ચે Bharatiya Janata Party (ભાજપ) એ ખાસ કરીને આણંદ જિલ્લા માં ભારે રાજકીય સપાટો બોલાવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા અને ભરત સોલંકી ના ગઢમાં જ ભાજપે ગાબડું પાડી દીધું છે.
પ્રદેશ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરત સોલંકીના જિલ્લામાં ભાજપે તેમની રણનીતિને નિષ્ફળ બનાવી છે, જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પ્રભાવ વિસ્તારમા પણ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 25 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે, જે કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવે છે.
આણંદ જિલ્લામાં અનેક મહત્વની બેઠકો પર ભાજપે બિનહરીફ જીત નોંધાવી છે. જેમાં સોજીત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક, તારાપુરની વરસડા બેઠક, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં. 3 અને 6, ખંભાત નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચિખોદરા અને પાળજ બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 8 અને 9 માં પણ ભાજપે બિનહરીફ જીત મેળવી છે.
ચિખોદરા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પાછી ખેંચાતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. ઉમરેઠ તાલુકાની વણસોલ બેઠક પર પણ ભાજપના ઉમેદવારને સીધી જીત મળી છે. આ રીતે ભાજપે ચૂંટણી પહેલા જ જિલ્લા પંચાયતમાં પોતાની મજબૂત પકડ બનાવી છે.
બીજી તરફ Indian National Congress (કોંગ્રેસ) ફરી એકવાર બેકફૂટ પર જોવા મળી રહી છે અને પોતાનો પરંપરાગત ગઢ બચાવવામાં નિષ્ફળ રહી છે.
રાજ્યભરના આંકડા મુજબ કુલ 39,346 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 9,000થી વધુ ફોર્મ વિવિધ કારણોસર રદ કરાયા છે. ઉપરાંત ઘણા ઉમેદવારોએ પોતે જ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેના કારણે અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે.
15 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જેના પછી ચૂંટણીનું ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થશે. હાલની પરિસ્થિતિ જોતા ભાજપ મજબૂત સ્થિતિમાં છે, જ્યારે કોંગ્રેસ માટે પડકારો વધતા જઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel