મધ્યપ્રદેશ સરકારે 19 જુલાઈ, 2026ના રોજ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી વિશેષ કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) વિધેયક, 2026ને મંજૂરી આપી છે. હવે આ વિધેયક રાજ્ય વિધાનસભામાં રજૂ થશે અને ત્યાંથી પસાર થયા બાદ તેમજ સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી અમલમાં આવશે.
રાજ્ય સરકારનું કહેવું છે કે UCCનો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકાર અને પારિવારિક કાયદાઓમાં એકસરખા નિયમો લાગુ કરવાનો છે. મુખ્યમંત્રી મોહન યાદવે ડિસેમ્બર 2024માં મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે હવે કાયદાકીય સ્વરૂપ તરફ આગળ વધી રહી છે.
UCC વિધેયકમાં શું છે મુખ્ય જોગવાઈઓ?
મધ્યપ્રદેશના UCC વિધેયકમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ, વારસાગત હક, લિવ-ઇન રિલેશનશિપ અને મહિલાઓના અધિકારોને લઈને અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિધેયક અનુસાર તમામ ધર્મો અને સમુદાયોમાં લગ્ન અને છૂટાછેડાનું નોંધણીકરણ ફરજિયાત રહેશે. આ વ્યવસ્થા ગામ સ્તર સુધી અમલમાં મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે કાયદાથી કોઈના મૂળભૂત અધિકારોનું હનન નહીં થાય, પરંતુ લગ્ન સંબંધિત પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને કાયદાકીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
UCC को सभी धर्मों का समर्थन मिला है…
हर्ष का विषय है कि UCC सुझाव समिति के अनुसार 80% से अधिक हमारी मुस्लिम बहनों एवं 40% हमारे मुस्लिम भाइयों ने भी समान नागरिक संहिता के पक्ष में अपना समर्थन दिया है।#UniformCivilCode #UCC #cabinetdecision pic.twitter.com/ZHgIzR05Xz
— Dr Mohan Yadav (@DrMohanYadav51) July 19, 2026
બહુપત્નીત્વ પર પ્રતિબંધ
UCC હેઠળ એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પોતાના જીવનસાથીના અવસાન અથવા કાયદેસર છૂટાછેડા બાદ જ ફરી લગ્ન કરી શકશે. જોકે રાજ્યના અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે આ કાયદો જનજાતિ સમુદાય પર લાગુ નહીં થાય.
લિવ-ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન ફરજિયાત
વિધેયકમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. લિવ-ઇનમાં રહેતા યુગલોએ એક મહિનાની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
રજીસ્ટ્રેશન વિના સાથે રહેવા બદલ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. લિવ-ઇન સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા આપવામાં આવશે અને મહિલા તથા બાળકોના ભરણપોષણના અધિકારો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
મહિલાઓ અને પુરુષોને સમાન સંપત્તિ અધિકાર
UCC વિધેયકમાં મહિલાઓને સંપત્તિ અને ઉત્તરાધિકારમાં પુરુષો જેટલો જ સમાન અધિકાર આપવામાં આવ્યો છે.
દીકરો અને દીકરી બંનેને સમાન વારસાગત હક મળશે. ઉપરાંત પતિ અને પત્ની વચ્ચે પણ સંપત્તિ અને અન્ય પારિવારિક અધિકારોમાં સમાનતા રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
ત્રણ તલાક અને નિકાહ હલાલા પર પ્રતિબંધ
વિધેયકમાં ત્રિપલ તલાક (ત્રણ તલાક) અને નિકાહ હલાલાને ગેરકાયદેસર જાહેર કરવાની જોગવાઈ છે.
માત્ર “તલાક, તલાક, તલાક” બોલવાથી છૂટાછેડા માન્ય નહીં ગણાય. છૂટાછેડા માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત રહેશે. નિકાહ હલાલાને પણ દંડનીય ગુનો બનાવવાનો પ્રસ્તાવ છે.
UCCનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો?
મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટની ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરી હતી.
સમિતિમાં નિવૃત્ત IAS અધિકારી શત્રુઘ્ન સિંહ, કાનૂની નિષ્ણાત અનુપ નાયર, શિક્ષણવિદ ગોપાલ શર્મા, સામાજિક કાર્યકર બુદ્ધપાલ સિંહ તથા સામાન્ય વહીવટ વિભાગના અપર સચિવ અજય કટેસરિયા સચિવ તરીકે સામેલ હતા. સમિતિએ ઉત્તરાખંડ અને ગુજરાતના UCC મોડલનો અભ્યાસ કરીને મધ્યપ્રદેશની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.
9.58 લાખથી વધુ સૂચનો મળ્યા
UCCના ડ્રાફ્ટ તૈયાર કરતાં પહેલાં સમિતિએ રાજ્યભરમાંથી લોકોના સૂચનો માંગ્યા હતા.
સમિતિને અંદાજે 9.58 લાખ સૂચનો મળ્યા હતા. વિવિધ ધર્મોના સામાજિક સંગઠનો, રાજકીય પક્ષો અને નાગરિકો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
સરકારના દાવા અનુસાર મુસ્લિમ સમાજમાંથી પણ નોંધપાત્ર સમર્થન મળ્યું હતું. આશરે 80 ટકા મુસ્લિમ મહિલાઓ અને 40 ટકા મુસ્લિમ પુરુષોએ UCCના સમર્થનમાં અભિપ્રાય આપ્યો હોવાનું જણાવાયું છે.
કયા રાજ્યોમાં UCC લાગુ છે?
ભારતમાં સૌથી પહેલા ગોવામાં પોર્ટુગીઝ સિવિલ કોડના સ્વરૂપમાં સમાન નાગરિક કાયદો અમલમાં છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું, જ્યાં 2025માં UCC સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો. તે બાદ ગુજરાત, આસામ અને હવે મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે.
આ તમામ રાજ્યોમાં લગ્ન નોંધણી, લિવ-ઇન રજીસ્ટ્રેશન, વારસાગત હક અને મહિલાઓના સમાન અધિકારો જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ અનુસૂચિત જનજાતિ સમુદાયોને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં સૌથી વધુ અસર કેમ?
મધ્યપ્રદેશની લગભગ 20 ટકા વસ્તી જનજાતિ સમુદાયની હોવાથી UCCનો અમલ અહીં વિશેષ મહત્વનો માનવામાં આવે છે. સરકારે જનજાતિ સમુદાયની પરંપરા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તેમને આ કાયદાની જોગવાઈઓમાંથી બહાર રાખ્યા છે.
વિધેયક હવે વિધાનસભામાં રજૂ થશે અને મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં UCC અમલમાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel