દિલ્હી વિસ્ફોટ અને મની લોન્ડરિંગ કેસમાં ઇડીની અટકાયતમાં રહેલા અલ-ફલાહ ગ્રૂપના સ્થાપક અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અંગે એક મોટો ખુલાસો થયો છે. ઈડીના જણાવ્યા મુજબ સિદ્દીકી અને તેના સાથીઓએ દિલ્હીના મદનપુર ખાદર ખાતે આવેલી કિંમતી ‘સિક્રેટ પાર્કિંગ’ જમીન કબજે કરવા માટે નકલી દસ્તાવેજો અને મૃતક હિંદુ જમીનમાલિકોના નકલી હસ્તાક્ષર તથા અંગૂઠાના નિશાનનો ગેરકાયદે ઉપયોગ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ જમીનના મૂળ માલિકો 1972થી 1998 વચ્ચે જ મૃત્યુ પામ્યા હતા, છતાં પણ 2004માં જનરલ પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી જેમાં તમામ મૃતક માલિકોના હસ્તાક્ષર અને અંગૂઠાના નિશાન દર્શાવવામાં આવ્યા હતા—જણેકે તેઓ જીવતા હોય અને સોદા માટે સહમત હોય.
ઈડી મુજબ, પહેલા આ જમીન જવાદના નજીકના સહયોગી વિનોદકુમારના નામે ટ્રાન્સફર કરવામાં આવી, ત્યારબાદ સેલ ડીડ દ્વારા 27 જૂન 2013ના રોજ ₹75 લાખમાં તરબિયા એજ્યુકેશન ફાઉન્ડેશનને વેચી દેવામાં આવી. ચોંકાવનારી બાબત એ છે કે સેલ ડીડ પર કેટલાક એવા કો-ઓનર્સના વકીલ તરીકે વિનોદકુમારે હસ્તાક્ષર કર્યા હતા જે સોદો થવા પહેલાં જ ઘણા વર્ષોથી મૃત્યુ પામેલા હતા. એટલે કે, મૃતકોની જમીન એમ દર્શાવવામાં આવી કે તેઓ જીવતા હોય અને વેચાણ માટે તેમણે મંજૂરી આપી હોય.
આથી પહેલાં 21 ડિસેમ્બર 2012ના રોજ જવાદ સિદ્દીકીના નામે તરબિયા એજ્યુકેશન ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન થયું હતું, અને ત્યારબાદ આ જ ફાઉન્ડેશનને જમીન વેચવામાં આવી—જે સ્પષ્ટ કરે છે કે સમગ્ર પ્રક્રિયા પૂર્વનિયોજિત હતી. ઈડી હાલમાં સિદ્દીકીની મની લોન્ડરિંગ, નકલી દસ્તાવેજો બનાવવાની સિન્ડિકેટ અને તેના રાજકીય-શૈક્ષણિક નેટવર્કની ભૂમિકા અંગે સખત તપાસ કરી રહી છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં પણ તે તપાસના ઘેરામાં હોવાથી જવાદ અહમદ સિદ્દીકી સામેનું દબાણ વધુ વધ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel