એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે “પપ્પી” સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડા ધારાસભ્ય વીરેન્દ્ર પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવ્યા છે, જેમની ED દ્વારા પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે. ચલ્લાકેરે શહેરની એક સહકારી બેંક અને એક ખાનગી બેંક સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, કારણ કે તપાસમાં જાણવા મળ્યું છે કે વીરેન્દ્ર અને તેમના સાથીદારોએ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા માત્ર એક જ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને 2,000 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી છે. આ ગેરકાયદેસર વ્યવહારોમાં નકલી વેબસાઇટ્સ, શેલ એકાઉન્ટ્સ અને ફેક ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
EDએ અગાઉ પણ 2 સપ્ટેમ્બરે પીએમએલએ, 2002ની જોગવાઈઓ હેઠળ બેંગલુરુ, ચલ્લાકેરે, પણજી, ગંગટોક, જોધપુર, હુબલી અને મુંબઈ સહિત 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મર્સિડીઝ-બેન્ઝ સહિત પાંચ મોંઘા વાહનો, મોટી સંખ્યામાં દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહાર સંબંધિત પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. EDના જણાવ્યા મુજબ, આ ગેરકાયદેસર સટ્ટાબાજી રેકેટ માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતું અને તેનો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નેટવર્ક ફેલાયેલો હતો.
વીરેન્દ્ર પર અગાઉથી પણ વિવાદાસ્પદ કિસ્સાઓમાં નામ જોડાયેલું રહ્યું છે. વર્ષ 2016માં, જ્યારે તેઓ જેડી-એસ પાર્ટી સાથે જોડાયેલા હતા, ત્યારે આવકવેરા વિભાગે તેમના ચલ્લાકેર નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ સમયે બાથરૂમમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચેમ્બરમાંથી 5.7 કરોડ રૂપિયાની નવી નોટો મળી આવી હતી. એટલું જ નહીં, અધિકારીઓને બાથરૂમની ટાઇલ્સ પાછળથી 90 લાખ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે 32 કિલો સોનાના બિસ્કિટ અને ઘરેણાં પણ જપ્ત થયા હતા. આ ઘટના બાદ વીરેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે તેઓ રાજકીય અને કાનૂની વિવાદોમાં ઘેરાયા હતા.
હાલની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ED ગેરકાયદેસર સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ કૌભાંડની મૂળ સુધી પહોંચવા કડક કાર્યવાહી કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગળના દિવસોમાં વધુ લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા રાજકીય અને વેપારી ગૃપોની પણ તપાસ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel