ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બોર્ડમાં સ્પષ્ટ રીતે લખાયું હતું કે ધાર્મિક સ્થળોની નજીક કોઈ પણ પ્રકારના ગરબા, ગાન કે વાદ્ય વગાડવા પર સખત પ્રતિબંધ છે. આ બોર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
આ મામલે સ્થાનિક બજરંગ દળના કાર્યકર્તાએ માતર પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું કે આ પ્રકારનું બોર્ડ લગાવવું હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવું છે, કારણ કે ગરબા ભગવાનની ભક્તિ અને આરાધનાનો મુખ્ય ભાગ છે. બોર્ડ જાહેર સ્થળે લગાવવાથી જનમાનસમાં ખોટો સંદેશ જાય છે અને તેનાથી સામાજિક તણાવ ઊભો થઈ શકે છે. ફરિયાદીને શંકા હતી કે આ કૃત્ય મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે.
ફરિયાદના આધારે માતર પોલીસે 16 સપ્ટેમ્બરે ઐયુબખાન પઠાણ અને ઈસુબમિયાં ખોખર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (ધાર્મિક લાગણીઓ ભડકાવવાના ઉદ્દેશ્યથી જાણીજોઈને કરવામાં આવેલા કૃત્યો) અને કલમ 54 (દુષ્પ્રેરણા અને ગુનામાં હાજરી) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ હાથ ધરતા પહેલા જ 15 સપ્ટેમ્બરની રાત્રે બોર્ડ પર કાળો રંગ લગાવીને લખાણ હટાવી દીધું હતું, જેથી તણાવ વધુ ન વધે.
નવરાત્રીનો પાવન તહેવાર 22 સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાવાનો છે. એ પહેલાં જ આ બોર્ડનો ફોટો વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો. જોકે, પોલીસે સમયસર પગલાં લઈને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેથી આવનારા તહેવારો દરમિયાન કોઈ વિઘ્ન કે અશાંતિ ન સર્જાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel