NCERTનાં ધોરણ ૭નાં પાઠયપુસ્તકમાં મોગલ આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ભારતમાં આવીને લોકો પર ગુજારેલા અત્યાચારની વધુ વિગતો જાહેર કરવામાં આવી છે અને સમાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે મહમૂદ ગઝનવીએ ભારતનાં અનેક શહેરો પર આક્રમણ કર્યું હતું અને અનેક નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તેમનાં ખજાનાની લૂંટફાટ કરી હતી. તેણે હિન્દુ, બૌધ્ધ, જૈન અને ઈસ્લામમાં માનતા અનેક જુદાજુદા સમુદાયનાં લોકોની હત્યા કરી હતી.
૬ પાનાનાં એક પ્રકરણનું શીર્ષક ગઝનવીનું આક્રમણ એવું છે તેમાં ગજનવીએ ભારત પર ૧૭ વખત આક્રમણ કર્યું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક વખતે તે મોટા જથ્થામાં ખજાનો લૂંટતો હોવાનું જણાવાયું છે. NCERTનાં જૂના પાઠયપુસ્તકમાં ગઝવની માટે ફક્ત એક ફકરામાં જ નોંધ લેવાઈ હતી.
આ વખતે તેનાં અત્યાચારનો વિગતે પર્દાફાશ કરવામાં આવ્યો છે. નવા પુસ્તકનું નામ ‘સમાજોની શોધ : ભારત અને તેનાંથી આગળ’ ને શુક્રવારે પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં મથુરા અને સોમનાથ જેવા શહેરોની લૂંટનો વિગતે ચિંતાર આપવામાં આવ્યો છે.
મહમૂદ દ્વારા ૧૧મી સદીમાં ભારતનાં કેટલાક વિસ્તારો પર વિજય મેળવવામાં આવ્યો હતો. તેણે જયપાલને હરાવ્યો હતો અને ૧૦૦૮માં લાંબી લડાઈ પછી જયપાલનાં પુત્રને પણ હરાવ્યો હતો. મહમૂદનાં કાળા કરતૂતોમાં ફક્ત વિનાશ અને લૂંટ જ નહીં પણ હજારો ભારતીયોની હત્યા કરવાનો તેમજ કેટલાકને કેદી બનાવીને મધ્ય એશિયામાં ગુલામોનાં બજારમાં વેચવાનો ઉલ્લેખ કરાયો છે. આમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. ઈતિહાસકારોએ મહમૂદ ગઝનવીને શક્તિશાળી પણ બર્બર અને નિર્દયી સેનાપતિ ગણાવ્યો હતો. તેનો ઉદ્દેશ ફક્ત હિન્દુ, બૌધ્ધ કે જૈનની હત્યા કરવાનો કે તેમને ગુલામ બનાવવાનો ન હતો ઈસ્લામનાં હરિફ સંપ્રદાયોનાં અનુયાયીઓની હત્યા કરવાનો પણ હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel