ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે આયોજિત ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 30થી 40 વર્ષ દરમિયાન હિંદુઓની વસ્તી ઘટી રહી છે, જ્યારે ખ્રિસ્તી સમુદાયની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેમના કહેવા મુજબ વિશ્વ હિંદુ પરિષદ અને સંઘના માધ્યમથી મળતી માહિતી દર્શાવે છે કે હિંદુ સમાજમાં આંતરિક વિભાજન વધી રહ્યું છે, જે ધર્માંતરણને વધુ સરળ બનાવે છે.
નીતિન પટેલે ધર્માંતરણ કરાવનારાઓને બે પ્રકારમાં વહેંચતાં કહ્યું કે બંનેનો અંતિમ ધ્યેય એક જ છે—કોઈ પણ રીતે હિંદુઓની સંખ્યા ઘટાડવી અને હિંદુ ધર્મ પર વર્ચસ્વ ખતમ કરવું. તેમણે મુસ્લિમો અને ખ્રિસ્તી મિશનરીઓ તરફ ઈશારો કરતાં જણાવ્યું કે એક વર્ગ લાલચ, ફોસલાવટ અને સેવા કાર્યના બહાને ધર્માંતરણ કરાવે છે, જ્યારે બીજો વર્ગ બળજબરી, હિંસા, આતંકવાદ અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ દ્વારા લોકો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરે છે. પટેલે કહ્યું કે “એક લલચાવીને ધર્માંતરણ કરાવે છે અને બીજા બળજબરીથી—પણ બંનેનું લક્ષ્ય હિંદુ સમાજને કમજોરી બનાવવાનું છે.”
તેમણે ખાસ કરીને ખ્રિસ્તી મિશનરીઓની કામગીરી અંગે કહ્યું કે તેઓ ખૂબ જ ચાલાકીથી સેવા અને શિક્ષણના નામે ધર્મ પરિવર્તન કરે છે. શાળાઓ શરૂ કરવી, કપડાં અને દવાઓ આપવી, દવાખાનાં અને હોસ્ટેલ ખોલવા જેવા કાર્યો દ્વારા ગરીબ અને નબળા વર્ગને આકર્ષવામાં આવે છે અને ધીમે ધીમે તેમને ધર્માંતરણ તરફ દોરી જવાય છે. બીજી તરફ, કેટલાક તત્વો હિંસક માર્ગ અપનાવીને પણ એ જ ઉદ્દેશ સિદ્ધ કરવા પ્રયાસ કરે છે.
નીતિન પટેલે આ સમગ્ર પરિસ્થિતિને ગંભીર ગણાવી સમાજને સજાગ થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો હિંદુ સમાજમાં વધુ વિભાજન અને અસંતુલન ઊભું થશે. ધર્માંતરણ સામે લડવા માટે સમાજ, શિક્ષણ વ્યવસ્થા, સરકાર અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે કામ કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.
આ ઉપરાંત તેમણે અંબાજી નજીક બનેલા ‘પડાલિયા કાંડ’ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આદિવાસી સમાજમાં ‘ચડોતરું’ જેવી પરંપરાઓ અત્યંત સંવેદનશીલ છે અને માત્ર પોલીસ કાર્યવાહીથી સમસ્યા ઉકેલાઈ જશે એવું માનવું ખોટું છે. આદિવાસી સમાજને પ્રેમ, સમજ અને સંવાદ દ્વારા સમજાવવાની જરૂર છે અને આ માટે સમાજના સ્તરે સકારાત્મક પ્રયાસો થવા જોઈએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel