પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના શિવાલયો અને અન્ય ધાર્મિક તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. આસ્થા અને ભક્તિના આ પવિત્ર અવસરને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ધાર્મિક સ્થળોને સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો છે.
GPCBની આ વિશેષ ઝુંબેશ હેઠળ પસંદ કરાયેલા ધાર્મિક સ્થળોની આસપાસ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ઝીરો-ટોલરન્સ નીતિ, કચરાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ અને પૂજામાંથી નીકળતા નિર્માલ્યના પુનઃઉપયોગ જેવી અનેક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવશે. અભિયાન દ્વારા શ્રદ્ધાળુઓમાં પણ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ’નો સંદેશ
રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ અભિયાનને **‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ’**નો સંદેશ આપવામાં આવ્યો છે. GPCB દ્વારા તેના પ્રાદેશિક અધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મંદિર ટ્રસ્ટોને અભિયાનના અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
અભિયાન હેઠળ દરેક પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્રમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવતા ઓછામાં ઓછા પાંચ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની પસંદગી કરવામાં આવશે. આ સ્થળો પર સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક નિયંત્રણ અંગે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
મંદિરોની 100 મીટરની ત્રિજ્યામાં ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’
GPCBના અભિયાનમાં સૌથી મહત્વપૂર્ણ પાસું મંદિર આસપાસના વિસ્તારને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરવાનો છે. પસંદ કરાયેલા મંદિર કે ધાર્મિક સ્થળના મુખ્ય પ્રવેશદ્વારથી 100 મીટરની ત્રિજ્યાને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’ તરીકે વિકસાવવામાં આવશે.
આ વિસ્તારમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક વલણ અપનાવવામાં આવશે. ધાર્મિક સ્થળોની આસપાસ પ્લાસ્ટિકના કપ, થેલીઓ, પ્લેટ સહિતની પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણને નુકસાન અટકે તે માટે સ્થાનિક તંત્ર તથા મંદિર સંચાલકો દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તોની અવરજવર થતી હોવાથી મોટી માત્રામાં પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર થતો હોય છે. આવી સ્થિતિમાં મંદિર વિસ્તારની નિયમિત સફાઈ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવાથી ધાર્મિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા બંને જાળવી શકાય તેવો GPCBનો પ્રયાસ છે.
તીર્થસ્થાનોમાં લાગુ થશે 3-Stream Waste Management System
ધાર્મિક સ્થળોએ ઉત્પન્ન થતા અલગ-અલગ પ્રકારના કચરાનો વૈજ્ઞાનિક નિકાલ થાય તે માટે ‘3-Stream Waste Management System’ અમલમાં મૂકવાની યોજના છે. આ વ્યવસ્થા હેઠળ કચરો ઉત્પન્ન થવાના સ્થળે જ અલગ કરવામાં આવશે.
પ્રથમ કેટેગરીમાં પ્રસાદ, ખોરાકના અવશેષો, શાકભાજી અને અન્ય ભીનો કચરો રાખવામાં આવશે. બીજી કેટેગરી ખાસ કરીને પૂજામાં ઉપયોગ થયેલા ફૂલ, હાર, બિલીપત્ર સહિતની પૂજા સામગ્રી એટલે કે નિર્માલ્ય માટે રહેશે. ત્રીજી કેટેગરીમાં કાગળ, માન્ય પ્લાસ્ટિક પેકેજિંગ, મેટલ અને અન્ય સૂકા કચરાનો સમાવેશ કરવામાં આવશે.
કચરાને અલગ-અલગ એકત્ર કરવાની આ પદ્ધતિથી રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ સરળ બનશે તેમજ ધાર્મિક સ્થળો પાસે કચરાના ઢગલા સર્જાવાની સમસ્યામાં પણ ઘટાડો થઈ શકે છે.
‘Nirmalya to Resource’: ફૂલ-હારમાંથી બનશે ઓર્ગેનિક ખાતર
અભિયાનમાં ‘Nirmalya to Resource’ પહેલને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે મંદિરોમાંથી નીકળતા પૂજાના ફૂલ, હાર, બિલીપત્ર અને અન્ય નિર્માલ્યને ઘણા સ્થળોએ નદી, તળાવ અથવા ખુલ્લા વિસ્તારમાં વિસર્જિત કરવામાં આવે છે. તેના કારણે જળ પ્રદૂષણ અને કચરાની સમસ્યા ઊભી થવાની શક્યતા રહે છે.
નવી વ્યવસ્થા હેઠળ આ નિર્માલ્યને અલગથી એકત્ર કરીને તેનું વૈજ્ઞાનિક પ્રોસેસિંગ કરવામાં આવશે. તેમાંથી ઓર્ગેનિક ખાતર, સુગંધી ધૂપ અને અગરબત્તી જેવી ઉપયોગી વસ્તુઓ તૈયાર કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.
આ પહેલથી એક તરફ ધાર્મિક સ્થળોના કચરાનો યોગ્ય નિકાલ થશે તો બીજી તરફ ‘વેસ્ટ ટુ વેલ્થ’ની વિચારધારાને પણ પ્રોત્સાહન મળશે. પૂજાની સામગ્રીને કચરો માનવાના બદલે ઉપયોગી સંસાધનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ સમગ્ર અભિયાનને વિશેષ બનાવે છે.
નદીઓ અને વન વિસ્તારોમાં થતી ગંદકી ઘટાડવાનો પ્રયાસ
મંદિરોમાંથી નીકળતું નિર્માલ્ય અને પ્લાસ્ટિક ઘણીવાર નજીકની નદીઓ, તળાવો અથવા ખુલ્લા વિસ્તારોમાં પહોંચી જતું હોય છે. ધાર્મિક અને પ્રવાસન સ્થળો નજીક આવેલા વન વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં કચરો જોવા મળતો હોય છે.
GPCBના અભિયાન હેઠળ સ્ત્રોત પર જ કચરાનું વિભાજન, નિયમિત સંગ્રહ અને વૈજ્ઞાનિક પ્રોસેસિંગ કરવામાં આવશે તો આવા વિસ્તારોમાં થતું પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન વધતા ફૂટફોલને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ બની રહે છે.
‘હરિત સાથી’ અને ‘સ્વચ્છ તીર્થસ્થાન સેવક’ જોડાશે
અભિયાનને માત્ર સરકારી વિભાગો પૂરતું સીમિત રાખવાને બદલે તેમાં જનભાગીદારી પણ વધારવામાં આવશે. સ્થાનિક NGO, સખી મંડળો, NCC અને NSSના સ્વયંસેવકો તેમજ યુવક મંડળોને ઝુંબેશ સાથે જોડવાની યોજના બનાવવામાં આવી છે.
આ સ્વયંસેવકોને ‘હરિત સાથી’ અને ‘સ્વચ્છ તીર્થસ્થાન સેવક’ તરીકે જોડીને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, કચરાને યોગ્ય ડસ્ટબિનમાં નાખવા અને મંદિર વિસ્તારની સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
આ પ્રકારની લોકસહભાગીદારીથી સ્વચ્છતા અભિયાન માત્ર તંત્રની કામગીરી ન રહેતા સામાજિક જવાબદારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી થઈ શકે
નિર્માલ્યમાંથી ઓર્ગેનિક ખાતર, અગરબત્તી અને ધૂપ સહિતના ઉત્પાદનો તૈયાર કરવાની પ્રક્રિયાને સ્થાનિક સખી મંડળો અથવા સ્વસહાય જૂથો સાથે જોડવામાં આવે તો રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે.
ખાસ કરીને ગ્રામ્ય અને તીર્થસ્થાન આસપાસના વિસ્તારોમાં મહિલાઓ અને યુવાનો માટે સ્થાનિક સ્તરે આવકનું સાધન ઊભું થઈ શકે છે. આ રીતે પર્યાવરણ સંરક્ષણની સાથે સર્ક્યુલર ઇકોનોમી અને સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.
શ્રદ્ધાળુઓને પણ GPCBની અપીલ
GPCB દ્વારા નાગરિકો અને શ્રદ્ધાળુઓને ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’માં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં જ નાખે અને પૂજાની સામગ્રીને નદી કે ખુલ્લા વિસ્તારમાં ન ફેંકે તે માટે જાગૃતિ લાવવામાં આવશે.
ધાર્મિક સ્થળોની પવિત્રતા માત્ર મંદિરના ગર્ભગૃહ સુધી સીમિત ન રહે પરંતુ તેની આસપાસનું સમગ્ર પર્યાવરણ પણ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રહે તે આ અભિયાનનો મૂળ હેતુ છે.
શ્રાવણ માસમાં શરૂ થયેલી આ પહેલ સફળતાપૂર્વક અમલમાં આવે તો રાજ્યના તીર્થસ્થાનોને પ્લાસ્ટિકમુક્ત, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી ધાર્મિક સ્થળોના મોડેલ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel