ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે વક્ફને હવે અન્ય તમામ ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે અને સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે પણ નિયત કોર્ટ ફી ફરજિયાત ભરવી પડશે. હાઈકોર્ટે જણાવ્યું કે કાયદાની નજરે કોઈ પણ સંસ્થા અથવા વાદી વિશેષાધિકાર ધરાવતી નથી અને જે નિયમો હિન્દુ કે અન્ય ધાર્મિક ટ્રસ્ટો માટે લાગુ પડે છે, તે જ નિયમો વક્ફ પર પણ લાગુ પડશે.
અત્યાર સુધી જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ ન હોવાને કારણે વક્ફ બોર્ડને કોર્ટ ફીમાંથી મુક્તિ મળતી હતી, પરંતુ હવે આ છૂટ મળશે નહીં અને નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી આ આદેશ સમાન રીતે લાગુ પડશે. આ ચુકાદો વક્ફ સંપત્તિના સંચાલન અને તેના સંબંધિત કાનૂની વિવાદોમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવનાર સાબિત થશે, કારણ કે તે તમામ ધાર્મિક ટ્રસ્ટો વચ્ચે કાનૂની પ્રક્રિયામાં સમાનતા સ્થાપિત કરે છે.
વક્ફનો અર્થ અરબી શબ્દ ‘વકુફા’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘રોકવું’ અથવા ‘સાચવવું’ થાય છે; ઇસ્લામમાં ધાર્મિક હેતુસર દાનમાં આપવામાં આવેલી મિલકતને વક્ફ કહેવાય છે, જેને ‘અલ્લાહની મિલકત’ માનવામાં આવે છે અને તે વેચી શકાતી નથી કે ધર્મ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી. ભારતમાં વક્ફની પરંપરા 12મી સદીથી માનવામાં આવે છે અને આઝાદી બાદ 1954માં પ્રથમ વક્ફ ઍક્ટ બનાવાયો, જેમાં 1995 અને 2013માં સુધારા થયા. ત્યારબાદ 2024માં નવા સંશોધનો સાથે વક્ફ બિલ રજૂ થયું, જેને લઈને વિરોધ બાદ JPCમાં ચર્ચા થઈ અને 2025માં સંશોધિત બિલને કેબિનેટની મંજૂરી મળી.
હાલ ભારતમાં વક્ફ બોર્ડ પાસે આશરે 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતો છે, જેમની અંદાજિત કિંમત રૂ. 1.2 લાખ કરોડ જેટલી છે, જેના કારણે વક્ફ બોર્ડ દેશના મોટા જમીનમાલિકોમાંથી એક ગણાય છે, પરંતુ સંચાલન અને કાનૂની વિવાદોના કારણે ઘણી મિલકતો કોર્ટમાં ચાલી રહી છે, અને આ હાઈકોર્ટના ચુકાદાથી આવા કેસોમાં મહત્વપૂર્ણ અસર પડશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel