કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ સુવિધા બાયો સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબ તથા એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહત્વપૂર્ણ સમારોહ દરમિયાન ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 સુવિધાને ભારત સરકારની BioE3 નીતિ અંતર્ગત ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરવામાં આવ્યું હતું. આ નિર્ણય ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો-સેફ્ટીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની હેલ્થ સિક્યોરિટી અને બાયો-સેફ્ટીના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ દેશની આ બીજી ઉચ્ચ સ્તરની લેબ હશે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ. 362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ સંપૂર્ણ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ અને અતિ સંક્રમક વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સંશોધનનું મજબૂત કિલ્લો સાબિત થશે. અહીં એવા પેથોજન્સ પર સંશોધન થઈ શકશે, જે માનવજીવન માટે અત્યંત જોખમી છે અને જેમની સારવાર તથા નિયંત્રણ માટે ઉચ્ચતમ સ્તરની સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોય છે.
ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કક્ષાની લેબ સંશોધકો, વૈજ્ઞાનિકો અને યુવાનો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. ખાસ કરીને પશુઓમાંથી માનવોમાં ફેલાતી બીમારીઓ (ઝૂનોટિક ડિસીઝીસ)ને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન હેલ્થ મિશન’ને આ લેબથી મોટો વેગ મળશે. ચાંદીપુરા વાયરસ અને લમ્પી સ્કિન ડિસીઝ જેવી બીમારીઓથી ગુજરાતે તાજેતરમાં જે પડકારોનો સામનો કર્યો છે, તેને ધ્યાનમાં રાખીને આવી સંશોધન આધારિત કાયમી સુરક્ષા વ્યવસ્થા સમયની માંગ હતી.
A giant step in biotechnology research. Live from the foundation stone–laying ceremony of the country’s second Biotechnology Research Centre’s BSL-4 bio-containment facility in Gandhinagar. https://t.co/BTbPXfT5Mi
— Amit Shah (@AmitShah) January 13, 2026
અમિત શાહે દેશની બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે છેલ્લા 11 વર્ષમાં થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે 2014માં ભારતની બાયો-ઈકોનોમી માત્ર 10 બિલિયન ડોલરની હતી, જે આજે 2024 સુધીમાં વધીને 166 બિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ ભારતના વૈજ્ઞાનિક સામર્થ્ય, નીતિગત સુધારા અને યુવાનોની નવીનતા શક્તિનું પ્રતિબિંબ છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે—2014માં જ્યાં 500થી પણ ઓછા બાયો-ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ હતા, ત્યાં આજે તેમની સંખ્યા 10,000ને પાર પહોંચી ગઈ છે. ઇન્ક્યુબેટર્સ 6થી વધીને 95 થયા છે અને ઇન્ક્યુબેશન સ્પેસ 60 હજાર સ્ક્વેર ફૂટથી વધીને 9 લાખ સ્ક્વેર ફૂટ સુધી વિસ્તર્યું છે.
ખાનગી રોકાણના આંકડાઓ પણ આ પ્રગતિને સ્પષ્ટ કરે છે. જ્યાં પહેલા પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ માત્ર રૂ. 10 કરોડ જેટલું હતું, ત્યાં આજે તે રૂ. 7,000 કરોડ સુધી પહોંચી ગયું છે. સાથે સાથે પેટન્ટ ફાઈલિંગની સંખ્યા 125થી વધીને 1,300ને પાર કરી ગઈ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે આ તમામ આંકડાઓ સાબિત કરે છે કે ભારતના યુવાનો હવે માત્ર ‘જોબ સીકર’ નથી રહ્યા, પરંતુ ‘જોબ ગીવર’ બની રહ્યા છે. ગાંધીનગરમાં શરૂ થનારી આ BSL-4 લેબ ભારતને વૈશ્વિક બાયો-સેફ્ટી અને હાઈ-એન્ડ રિસર્ચના નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel