વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લગતા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની અલગ-અલગ ટ્રાયલની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે, જેના કારણે હવે બંને નેતાઓ સામેની કાર્યવાહી સંયુક્ત રીતે આગળ વધશે. આ કેસ પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત વિવાદ સાથે જોડાયેલો છે, જે 2023માં શરૂ થયો હતો. ત્યારે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર આરોપ લગાવ્યો હતો, જે યુનિવર્સિટીએ અપમાનજનક ગણાવીને બંને સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.
કેજરીવાલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલને સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવા અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે તેમની સામે કોઈ કાવતરું રચવાનો અથવા ગુનાહિત ઈરાદો હોવાનો આરોપ લાગતો નથી. જોકે, ગુજરાત હાઇકોર્ટે આ દલીલને અસ્વીકાર આપતા કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ બંને નેતાઓ એક જ ઘટનાક્રમમાં સામેલ હતા અને તેમનો હેતુ સમાન હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે CrPC ની કલમ 223 મુજબ જ્યારે ગુનો એક જ શ્રેણીમાં આવે છે ત્યારે સંયુક્ત ટ્રાયલ ચલાવવી યોગ્ય હોય છે.
કોર્ટે કેજરીવાલની વચગાળાની રાહતની માંગણી પણ ફગાવી દીધી છે. હાઇકોર્ટે જણાવ્યુ કે મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિના કેસની સુનાવણી નિયમિત સમય મુજબ જ આગળ વધશે. અગાઉ સેશન્સ કોર્ટે પણ બંનેની અરજી ફગાવી દીધી હતી, જેના પછી તેમણે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, પરંતુ હાઇકોર્ટમાંથી પણ તેમને કોઈ રાહત મળી નથી. હવે કેજરીવાલ અને સંજય સિંહ બંને સંયુક્ત ટ્રાયલ માટે તૈયાર રહેવા માટે મજબૂર છે, અને તેમના વિરોધી દાવાઓને લઇને કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel