ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગરિમા ઉત્સવ’ (10 મે થી 09 જૂન, 2026) અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AIનો આદિજાતિ વિકાસમાં ઉપયોગ’ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો.
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વહીવટી કામગીરીમાં પારદર્શિતા, ચોકસાઈ અને ગતિ લાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીને અપનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓને વધુ પ્રભાવી બનાવવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં ‘ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી-TRI’ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિજાતિ વિકાસ નિયામક આશિષ કુમાર અને કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરીએ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
AIથી મોનિટરિંગ અને પારદર્શિતા વધારવાનો પ્રયાસ
આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના નિયામક આશિષ કુમારે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ બનાવવા આશ્રમશાળાઓ, સરકારી હોસ્ટેલો અને ક્લાસરૂમના ડેઇલી મોનિટરિંગ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારી વિભાગો પાસે ઉપલબ્ધ વિશાળ ડેટા સેટ્સ, લાભાર્થીઓની માહિતી અને વિદ્યાર્થીઓના ડેટાનું સચોટ એનાલિસિસ કરવા માટે AI અત્યંત ઉપયોગી સાબિત થશે. તેમણે કર્મયોગીઓને આહવાન કર્યું હતું કે, જો તેમની પાસે વહીવટી સુધારણા કે મોનિટરિંગને લગતા કોઈ મજબૂત પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ હોય, તો તેના સ્માર્ટ સોલ્યુશન્સ તૈયાર કરવા જેથી તેને વ્યાપક સ્તરે લાગુ કરી શકાય.
ટેકનોલોજીથી વધશે કામની સ્પીડ અને ગુણવત્તા
નિયામકએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી કામગીરીની ગુણવત્તા, ગતિ અને સચોટતા વધારવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સમયની માંગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચેટજીપીટી જેવા આધુનિક મોડલ્સના આગમન સાથે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની સ્પીડ ખૂબ જ ઝડપી બની છે, જેની સીધી અસર આપણા વહીવટી અને રોજબરોજના જીવન પર પણ પડી રહી છે. સરકારી કચેરીઓમાં AI એ માનવ શ્રમનો વિકલ્પ નથી, પરંતુ કર્મચારીઓની ક્ષમતા અને કામની સ્પીડ વધારવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ શકે તેમ છે.
iGOT કર્મયોગી પોર્ટલ પર AI કોર્સનો લાભ
નિયામકએ સમય સાથે કદમ મિલાવવા અને પોતાની ક્ષમતા વર્ધન માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને iGOT કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ કોર્સીસનો મહત્તમ લાભ લેવા ખાસ તાકીદ કરી હતી. આ પોર્ટલ પર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર કરાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જે પરફોર્મન્સ એપ્રેઝલ માટે પણ મહત્વના છે. બદલાતા સમયમાં ટેકનોલોજીથી સુસજ્જ બનીને સરકારી સેવાઓને વધુ લોકાભિમુખ અને પારદર્શક બનાવવા માટે આ AI કોર્સ ખૂબ મહત્વના છે.
આદિવાસી વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા
આ કાર્યક્રમમાં ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરીએ કહ્યું હતું કે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલ્યાણકારી યોજનાઓના પરિણામલક્ષી પ્રભાવને છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવા માટે ટેકનોલોજી એક શક્તિશાળી માધ્યમ સાબિત થશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની યોગ્ય સાવચેતી સાથે અને સચોટ ઉપયોગ દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને સશક્તીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી શકાશે.
‘અનસંગ હીરોઝ’નું સન્માન
આગામી તા. 25 થી 31 મે, 2026 દરમિયાન આદિવાસી સમાજના 20-30 જેટલા ‘અનસંગ હીરોઝ’ (ગુમનામ નાયકો) ની ઓળખ કરી તેઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. નિયામકએ તમામ અધિકારીઓને પોતાની ક્ષમતા વધારવા માટે ‘iGOT કર્મયોગી પોર્ટલ’ પર ઉપલબ્ધ AI ના ફ્રી કોર્સ કરવા ખાસ તાકીદ કરી હતી, જેથી સરકારી સેવાઓ વધુ લોકાભિમુખ બની શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel