જમ્મુ-કાશ્મીરના રાયસી જિલ્લાના કટરા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી ધામમાં દર્શન કરવા આવતા ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે માઈ ભક્તો માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ પવિત્ર પ્રાચીન ગુફામાં જઈ માતાના દર્શન કરી શકશે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ, ગયા મંગળવાર 20 જાન્યુઆરીએ રાત્રે 10:30થી 12:30 વાગ્યા સુધી પવિત્ર ગુફા ભક્તો માટે ખુલ્લી રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાના દર્શન કર્યા હતા.
મકરસંક્રાંતિના પર્વના અવસરે પરંપરાગત પૂજા-અર્ચના બાદ પ્રાચીન અને સુવર્ણ ગુફાના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી આ ગુફા ખુલ્લી રહેવાની શક્યતા છે. અગાઉ ભક્તોની ભારે ભીડને કારણે ગુફા મર્યાદિત સમય માટે જ ખુલ્લી રાખવામાં આવતી હતી, પરંતુ હવે વધતી ભીડને ધ્યાનમાં રાખીને દર્શન સમય વિસ્તૃત કરવામાં આવ્યો છે. નવા નિર્ણય અનુસાર, ભક્તો સવારે 10:15થી બપોરે 12:00 વાગ્યા સુધી અને રાત્રે 10:30થી 12:30 વાગ્યા સુધી માતાના દર્શન કરી શકશે.
મીડિયા અહેવાલો મુજબ, બુધવાર 21 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીમાં 13,000થી વધુ ભક્તોએ વૈષ્ણો દેવી માતાના મંદિરની મુલાકાત લીધી હતી, જ્યારે 20 જાન્યુઆરીએ લગભગ 18,200 ભક્તોએ દર્શન કર્યા હતા. શ્રાઇન બોર્ડનું કહેવું છે કે વધુમાં વધુ ભક્તોને પવિત્ર ગુફાના દર્શનનો લાભ મળે તે હેતુથી રાત્રિ દર્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે માતા વૈષ્ણો દેવીની પવિત્ર ગુફા વર્ષમાં માત્ર બે મહિના, સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન જ ખોલવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં ભીડ ઓછી હોય છે, છતાં દરરોજ આશરે 20,000 ભક્તો મંદિરની મુલાકાત લે છે.
આ ઉપરાંત, ભક્તોની સુવિધા માટે નવેમ્બર 2025માં શ્રાઇન બોર્ડ દ્વારા ગર્ભગૃહમાં હવન માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં ભક્તો ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે ફી ચૂકવી હવન કરાવી શકે છે. હવન માટે પ્રતિ ભક્ત ₹3100 અને બે ભક્તો માટે ₹5100 ફી નક્કી કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel