પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્રાંતિ” લાવવાના વચનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે સરકારી શાળાઓને એવી ગુણવત્તાસભર સંસ્થાઓમાં પરિવર્તિત કરવામાં આવશે જ્યાં માતા-પિતા વિશ્વાસ સાથે પોતાના બાળકોને શિક્ષણ માટે મોકલી શકે.
પરંતુ ચાર વર્ષ બાદ એક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર શાળામાં ભણતા બાળકો ધરાવતા 31 AAP ધારાસભ્યોમાંથી માત્ર એક ધારાસભ્ય સુખવીર સિંહ મૈસરખાના પોતાના બાળકોને રાજ્યની સરકારી શાળામાં ભણાવે છે. બાકીના લગભગ તમામ ધારાસભ્યોના બાળકો ખાનગી શાળાઓ અથવા વિદેશી સંસ્થાઓમાં અભ્યાસ કરે છે.
મોટાભાગના ધારાસભ્યોના બાળકો ખાનગી શાળાઓમાં
માહિતી અનુસાર 31 AAP ધારાસભ્યોમાંથી 27એ પોતાના બાળકોને ભારતની ખાનગી શાળાઓમાં દાખલ કરાવ્યા છે. આ શાળાઓમાં દેશની અગ્રણી સંસ્થાઓ જેમ કે દૂન સ્કૂલ (દહેરાદૂન), લોરેન્સ સ્કૂલ (સનાવર) અને સિંધિયા સ્કૂલ (ગ્વાલિયર)નો સમાવેશ થાય છે. તેમાંના ઓછામાં ઓછા 10 ધારાસભ્યોએ પોતાના બાળકોને ચંદીગઢ અથવા પંજાબની બહાર આવેલી રહેણાંક સુવિધાવાળી ટોચની શાળાઓમાં મોકલ્યા છે.
બાકીના 17 ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં આવેલી ખાનગી અંગ્રેજી માધ્યમ કોન્વેન્ટ શાળાઓમાં બાળકોને દાખલ કર્યા છે. ઉપરાંત બે ધારાસભ્યોએ જણાવ્યું કે તેમના બાળકો યુકે અને યુએસની શાળાઓમાં અભ્યાસ કરે છે, જ્યારે એક ધારાસભ્યએ કહ્યું કે તેમના બાળકો હોમ-સ્કૂલિંગ કરી રહ્યા છે.
સરકારી શાળાઓમાં બાળકો કેમ નથી?
ધારાસભ્યોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં કેમ નથી મોકલતા, ત્યારે વિવિધ કારણો સામે આવ્યા. ઘણા ધારાસભ્યોએ ગુણવત્તામાં તફાવત, મર્યાદિત તકો, અંગ્રેજી ભાષાનો અભાવ, સામાજિક દબાણ અને શિક્ષકોની અછત જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.
એક ધારાસભ્યએ કહ્યું કે સરકારી અને ખાનગી શાળાઓના અભ્યાસક્રમમાં મોટો ફરક નથી, પરંતુ એક્સપોઝર અને તકોમાં તફાવત છે. જ્યારે બીજા ધારાસભ્યએ કહ્યું કે કેટલીક સરકારી શાળાઓમાં ઈમારતો કે પૂરતા શિક્ષકો પણ નથી, તેથી તેઓ પોતાના બાળકોને ત્યાં દાખલ કરાવવા તૈયાર નથી.
માત્ર એક ધારાસભ્યે બાળકોને સરકારી શાળામાં દાખલ કર્યા
મૌર મતવિસ્તારના ધારાસભ્ય સુખવીર સિંહ મૈસરખાનાએ પોતાના બે બાળકોને સરકારી શાળામાં ભણાવવાનું પસંદ કર્યું છે. તેમનું કહેવું છે કે જો જનપ્રતિનિધિઓ પોતાના બાળકોને સરકારી શાળામાં દાખલ નહીં કરે તો લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતશે.
છતાં સરકારી શાળાઓમાં નોંધણી ઘટી
સરકારી આંકડાઓ મુજબ 2024-25 દરમિયાન પંજાબની સરકારી શાળાઓમાં 26.69 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે અગાઉના વર્ષના 28.23 લાખ કરતાં ઓછા છે. બીજી તરફ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 30.63 લાખ થઈ છે.
શિક્ષકોની અછત પણ એક મોટો પડકાર બની રહી છે. અહેવાલો અનુસાર રાજ્યની 50 ટકા કરતાં વધુ શાળાઓમાં આચાર્ય નથી અને અનેક શાળાઓમાં મુખ્ય શિક્ષકો તથા બ્લોક શિક્ષણ અધિકારીઓની જગ્યાઓ ખાલી છે.
વિરોધ પક્ષનો હુમલો
વિપક્ષે આ મુદ્દે AAP સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આરોપ લગાવ્યો કે જે બાબત માટે AAP પહેલા અન્ય સરકારોની ટીકા કરતી હતી, આજે તે જ સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના નેતા પરગટ સિંહે પણ કહ્યું કે જો સાચે શિક્ષણ ક્રાંતિ આવી ગઈ છે તો શાસક પક્ષના ધારાસભ્યો પોતાના બાળકોને સરકારી શાળાઓમાં કેમ નથી મોકલતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel