મુરલીધર મંદિર પચ્છેગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો.
ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન મુરલીધર નવનિર્મિત મંદિરના નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કથામાં વિવિધ પ્રસંગ અવતાર વર્ણન કરતાં કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ સુતજી દ્વારા ક્થાગાન પ્રારંભની વંદના વર્ણન કરી અવતાર કથાઓનું રસ દર્શન કરાવ્યું. નાદથી ધ્યાનનો ઉલ્લેખ કરી ૐ કાર પ્રણવ એ પરબ્રહ્મનો વાહક નાદબ્રહ્મ હોવાનું સમજાવી નાદ પછી શબ્દ અને પછી શાસ્ત્ર એમ જણાવ્યું. નાદ ભીતરથી ઉદભવે ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે. ભાગવત અને ગીતા પણ આ નાદ એટલે મુરલી જ છે. ધાર્મિક ક્થા એ મનોરંજન નહી, જીવનની ધન્યતા અને શ્રી હરિ માટે છે. ભક્ત સંદર્ભે તેઓએ ઉમેર્યું કે, ભોળપણ, ભરોસો અને ભિનાશનો સમન્વય એ ખરી ભક્તિ છે. કથામાં રાષ્ટ્ર, વિકાસ અને પર્યાવરણ સંદર્ભે પણ પ્રેરક શીખ આપવામાં આવી.
આજની કથામાં ભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
પચ્છેગામમાં ભાગવત કથા અને મહા વિષ્ણુયજ્ઞ પ્રસંગમાં ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે.
અહીંયા રામબાપુ (બાવળિયાળી), રામબાપુ (સમઢિયાળા), રવુબાપુ (આંબલા), વિશ્વાનંદ માતાજી (જાળિયા), હંસા માતાજી (અગિયાળી), રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલી), અમરદાસજી મહારાજ (રામધરી) સહિત સંતો, મહંતો અને કથાકારોની પ્રેરક ઉપસ્થિતિ રહી.
આજની કથામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ ગોહિલ, પેથાભાઈ આહિર સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ક્થા શ્રવણ માટે જોડાયાં.
ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતમાંથી ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે. વિવિધ સંસ્થાઓ અને સ્વયં સેવકોની ખૂબ પ્રશસ્ય સેવા ભાવના સાથે ક્થા શ્રવણ અને પ્રસાદ લાભ સાથે આ ધર્મ ઉત્સવ અનેરો ઉપક્રમ બની રહ્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom