ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરીના કારણે કોઈનું મોત થાય તો તેને માત્ર અકસ્માત તરીકે નહીં, પરંતુ ગંભીર ગુના તરીકે ગણવામાં આવશે અને જરૂર પડે તો ‘હત્યા’ હેઠળ કેસ નોંધવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ નિર્ણયથી ગેરકાયદેસર ચાઈનીઝ માંજા વેચતા વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.
મુખ્યમંત્રીએ પોલીસ અને સ્થાનિક પ્રશાસનને રાજ્યભરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ, સ્ટોક અને સપ્લાય ચેઇન સામે તાત્કાલિક અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે આ દોરી પર પહેલેથી જ પ્રતિબંધ છે, ત્યારે બજારમાં તેનું વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે. યોગી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર વેપાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. સમગ્ર અભિયાનની મોનીટરીંગ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
આ કડક પગલાં પાછળ તાજેતરમાં લખનઉના હૈદરગંજ બ્રિજ પર બનેલી દુર્ઘટના મુખ્ય કારણ બની છે. અહીં ચાઈનીઝ માંજાની દોરી ગળામાં ફસાઈ જવાથી શોએબ નામના યુવકનું કરુણ મોત થયું હતું. પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય ગુમાવતા આ ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે રોષ અને ચિંતા ઊભી કરી છે. પ્રજાની સુરક્ષા અને આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે હવે પ્રશાસન સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકારનો હેતુ સ્પષ્ટ છે – જીવલેણ ચાઈનીઝ દોરી પર સંપૂર્ણ નિયંત્રણ લાવીને નિર્દોષ લોકોના જીવ બચાવવાના.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel