મંગળવારે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતા સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં પણ રચનાત્મક કામગીરી કરવી જોઈએ, એમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશના ૫૭મા પ્રદેશ અધિવેશનનું આણંદના ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરતાં તેઓ બોલી રહ્યા હતા. આ ત્રિ-દિવસીય અધિવેશનમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ આણંદની ઐતિહાસિક ધરતી, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્વેત ક્રાંતિના યોગદાનને યાદ કરી વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ સ્થાન આપવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને રાષ્ટ્રભક્તિ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો દેશના વિકાસ માટે મજબૂત આધાર પૂરું પાડે છે અને તેમાં યુવાનોની ભાગીદારી અત્યંત જરૂરી છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. ફારૂકભાઈ પટેલએ યુવાનોને માત્ર ડિગ્રી નહીં પરંતુ મૂલ્યો, સંસ્કાર અને સામાજિક જવાબદારી સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. તેમણે આજના યુવાનોને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાથી કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.
આ તકે ABVPના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી એસ. બાલકૃષ્ણએ સંગઠનની વિચારધારા અને આગામી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણભાઈ ભૂતળિયાએ વિદ્યાર્થી પરિષદના વિકાસ પ્રવાસ અને વર્તમાન વર્ષના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
અધિવેશનના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ સોની ( આણંદ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel