ઉત્તરાયણ 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં નાયલોન અને ચાઈનીઝ માંઝાથી બનેલા પ્રતિબંધિત પતંગના દોરા તેમજ ચાઈનીઝ તુક્કલના વેચાણ, સંગ્રહ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આવા જીવલેણ સામાનનો ઉપયોગ માનવજીવન, પક્ષીઓ અને પશુઓ માટે ગંભીર ખતરો બની રહ્યો છે, તેથી તેમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો છે કે પ્રતિબંધિત દોરી અને તુક્કલના વેચાણ અંગે રોજિંદો (ડે-ટુ-ડે) અહેવાલ રજૂ કરવામાં આવે. રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ચાઈનીઝ માંઝા, નાયલોન, કૃત્રિમ કોટિંગવાળા પ્લાસ્ટિક દોરા, કાચથી કોટેડ દોરા (પરંપરાગત માંઝા સિવાય) અને ચાઈનીઝ સ્કાય ફાનસ સામે અમલીકરણ તથા જનજાગૃતિ અભિયાનની વિગતો આપવામાં આવી હતી.
સોગંદનામા મુજબ, 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 દરમિયાન 59 ગુનાઓ નોંધાયા હતા, જેમાંથી 12,066થી વધુ પ્રતિબંધિત દોરા, રીલ, સ્પૂલ, બોબિન સહિતનો રૂ. 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને રાજ્યભરમાં 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ જનજાગૃતિ માટે શાળા-કોલેજો, બજારો અને જાહેર સ્થળોએ 116 બેઠકો યોજાઈ હતી, અખબારોમાં જાહેરાતો આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર 230થી વધુ પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં ઓટો-રિક્ષા મારફતે જાહેર સંદેશ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે નોંધ્યું કે ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત દોરા અને તુક્કલના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા જાહેરનામા 17 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની આગળની સુનાવણી 9 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel