તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે મદ્રાસ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા સામે નોંધાયેલી એફઆઈઆર (FIR) રદ કરતાં ઉદયનિધિના ભાષણ પર કડક ટિપ્પણી કરી અને તેને ‘હેટ સ્પીચ’ની શ્રેણીમાં આવતું ગણાવ્યું. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનમાં તમિલ શબ્દ ‘સનાતન ઓઝિપ્પુ’નો ઉપયોગ થયો હતો, જેનો અર્થ માત્ર વિરોધ નહીં પરંતુ સંપૂર્ણ નાબૂદી અથવા વિનાશ થાય છે. કોર્ટે નોંધ્યું કે જો આ શબ્દ સનાતન ધર્મ સાથે જોડાય તો તેનો અર્થ ધર્મના અનુયાયીઓના અસ્તિત્વને નકારવા સુધી પહોંચી શકે છે, જે ગંભીર અને ખતરનાક પરિણામો તરફ દોરી શકે છે.
ન્યાયાધીશે કહ્યું કે આવા નિવેદનો ‘જેનોસાઇડ’ અથવા ‘રિલિજિયોસાઇડ’ જેવી પરિસ્થિતિઓને જન્મ આપી શકે છે. આ પરિપ્રેક્ષ્યમાં અમિત માલવિયાની સોશિયલ મીડિયા પોસ્ટને હેટ સ્પીચ ગણી શકાય નહીં, કારણ કે તેમણે કોઈ હિંસા કે આંદોલન માટે ઉશ્કેરણી કરી નહોતી, પરંતુ માત્ર ઉદયનિધિના નિવેદન અંગે એક સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું કે માલવિયાની પોસ્ટ પ્રશ્ન સ્વરૂપે હતી અને તે જવાબ માંગતી હતી, તેથી તેના પર IPCની કોઈ કલમ લાગુ પડતી નથી. આ આધારે મદ્રાસ હાઇકોર્ટે અમિત માલવિયા વિરુદ્ધ નોંધાયેલી તમામ કલમો હેઠળની FIR રદ કરી દીધી.
કોર્ટે પોતાના ચુકાદામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે, સમાજમાં દ્વેષ ફેલાવનાર ભાષણો આપનારાઓ સામે ઘણીવાર કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે તેના પર પ્રતિક્રિયા આપનારાઓને કાયદાના સકંજામાં ફસાવવામાં આવે છે. જજે નોંધ્યું કે આ મામલે પણ રાજ્યમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, જ્યારે અન્ય રાજ્યોમાં તેમના વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2023માં ઉદયનિધિ સ્ટાલિને એક જાહેર ભાષણ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બીમારીઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે જેમ આ બીમારીઓ સમાજ માટે હાનિકારક છે, તેમ સનાતન ધર્મ પણ માનવતા માટે નુકસાનકારક છે અને તેને ‘ઓઝિપ્પુ’ એટલે કે નાબૂદ કરવો જોઈએ. આ નિવેદન બાદ અમિત માલવિયાએ તે ભાષણ X (ટ્વિટર) પર શેર કરીને પ્રશ્ન કર્યો હતો કે શું તેનો અર્થ દેશની લગભગ 80 ટકા વસ્તીના નરસંહારની વાત થાય છે.
આ વિવાદ વધતાં ઉદયનિધિએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે ક્યારેય સનાતન ધર્મના અનુયાયીઓના નરસંહારની હાકલ કરી નથી અને ‘સનાતન ધર્મને મૂળમાંથી ઉખેડી નાખવો’નો અર્થ માનવતા અને સમાનતાને જાળવી રાખવો છે. બીજી તરફ, ડીએમકેના એડવોકેટ વિંગના આયોજક કે.એ.વી. દિનાકરે આરોપ લગાવ્યો હતો કે અમિત માલવિયાએ ઉદયનિધિના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફરિયાદના આધારે તિરુચી પોલીસે માલવિયા વિરુદ્ધ IPCની કલમ 153, 153(A), 504 અને 505 હેઠળ ગુનો નોંધ્યો હતો, જેને હવે મદ્રાસ હાઇકોર્ટે સંપૂર્ણ રીતે રદ કરી દીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel