પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને મોટું જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ માટે આ એક ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, શંખેશ્વર તાલુકામાં 1 બેઠક, રાધનપુર તાલુકામાં 2 બેઠકો, સમી તાલુકા પંચાયતની બેઠકો અને સિદ્ધપુર નગરપાલિકાની 3 બેઠકો બિનહરીફ થઈ છે. આ પ્રકારની મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવાનો બનાવ જિલ્લામાં પ્રથમ વખત જોવા મળ્યો છે, જેને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વચ્ચે સરસ્વતી તાલુકાનું ઉંદરા ગામ, જે અગાઉ કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતું હતું, ત્યાં પણ મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. ગામના મોટા ભાગના લોકો અને આગેવાનો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ ઘટના ભાજપ માટે એક મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
પાટણ જિલ્લામાં બીજેપી દ્વારા ઉંદરા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્થાનિક નેતાઓ કુંભાજી ઠાકોર અને રમેશજી ઠાકોરના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
આ તમામ નવા જોડાયેલા કાર્યકરોનું પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવ, હુડકો ચેરમેન કે.સી. પટેલ, નંદાજી ઠાકોર તથા અન્ય અગ્રણીઓ દ્વારા કેસરિયો ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પક્ષના નેતાઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને વિકાસલક્ષી દૃષ્ટિકોણને કારણે લોકો ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે. સાથે જ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લામાં ભાજપને મળતું આ વ્યાપક જનસમર્થન આવનારી ચૂંટણીમાં શું પરિણામ લાવે છે તે જોવું હવે મહત્વપૂર્ણ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel