અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાં સામેલ આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ માત્ર 32 સેકન્ડમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. પળવારમાં વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને તેમાં સવાર 260 લોકોનાં જીવ ગયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવતા બચ્યા હતા – વિશ્વાસ કુમાર રમેશ.
એક વર્ષ બાદ પણ માનસિક આઘાતમાંથી બહાર નથી આવ્યા
દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ વિશ્વાસ કુમાર રમેશ તે ભયાનક દિવસને ભૂલી શક્યા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તેમના મનમાં હજુ પણ અનેક એવા સવાલો છે જેના જવાબ તેમને મળ્યા નથી. તેમણે કહ્યું કે વિમાન દુર્ઘટનાના દિવસે તેમનું દુઃખ પૂરું થયું નહોતું, પરંતુ તે દિવસથી તેમની અંદર સતત એક માનસિક સંઘર્ષ શરૂ થયો હતો.
વિશ્વાસના જણાવ્યા અનુસાર તેઓ આજે પણ વિચાર કરે છે કે આખરે આ ઘટના તેમની સાથે જ કેમ બની અને તેઓ એકમાત્ર બચેલા કેમ રહ્યા.
ભાઈને ગુમાવ્યાનું દુઃખ આજે પણ યથાવત
આ દુર્ઘટનામાં વિશ્વાસ કુમાર રમેશે પોતાના ભાઈને પણ ગુમાવ્યા હતા. તેમની સામે જ ભાઈ સહિત સેંકડો મુસાફરોના મૃત્યુ થયાની યાદો હજુ પણ તેમનો પીછો છોડતી નથી. તેમણે જણાવ્યું કે માત્ર તેઓ જ નહીં પરંતુ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર દરેક પરિવાર આજે પણ જવાબોની રાહ જોઈ રહ્યો છે.
તેમના મતે આવી દુર્ઘટનાઓ બાદ પારદર્શિતા, જવાબદારી અને સત્ય સામે આવવું અત્યંત જરૂરી છે.
ડિપ્રેશન અને એકલતામાં પસાર થાય છે જીવન
વિશ્વાસ કુમાર રમેશના જણાવ્યા અનુસાર આ ભયાનક ઘટનાએ તેમના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી છે. તેઓ હવે ભીડભાડથી દૂર રહેવાનું પસંદ કરે છે અને મોટાભાગનો સમય પોતાના રૂમમાં એકલા વિતાવે છે. ડિપ્રેશનના કારણે તેઓ પરિવારજનો સાથે પણ પહેલાની જેમ વાતચીત કરી શકતા નથી.
આજે પણ ઘણી વખત તેમને એવું લાગે છે કે તેઓ હજુ પણ એ જ ભયાનક ક્ષણોમાં જીવતા હોય.
શારીરિક ઇજાઓ અને આર્થિક સંઘર્ષ
દુર્ઘટનામાં વિશ્વાસને પીઠ, ખભા, હાથ અને ઘૂંટણમાં ગંભીર ઇજાઓ થઈ હતી. એક વર્ષ બાદ પણ શરીરમાં દુખાવો રહેતો હોવાને કારણે તેઓ નિયમિત કામ કરી શકતા નથી. તેમણે જણાવ્યું કે કાર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે. શારીરિક પરેશાનીઓ અને ભાઈના નિધન બાદ તેમનો વ્યવસાય પણ પ્રભાવિત થયો હતો.
પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને મર્યાદિત આવકમાં ઘર ચલાવવું પડ્યું હતું.
એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપ તરફથી મળ્યું વળતર
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે તેમને એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપ તરફથી વળતર મળ્યું છે. જોકે તેમનું કહેવું છે કે વિદેશી સહાય અને વિશેષ માનસિક સહકારની જરૂરિયાત હજુ પણ અનુભવાય છે. દુર્ઘટના બાદ માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક પુનઃસ્થાપન પણ એટલું જ મહત્વનું હોવાનું તેમણે જણાવ્યું.
કેવી રીતે બચ્યો હતો જીવ?
દુર્ઘટનાની ક્ષણોમાં વિશ્વાસ કુમાર રમેશે અસાધારણ હિંમત અને ઝડપી નિર્ણય લેતાં પોતાનો જીવ બચાવ્યો હતો. તેઓ વિમાનની 11A નંબરની સીટ પર બેઠા હતા, જે ઇમરજન્સી એક્ઝિટની નજીક હતી. વિમાન તૂટી પડતાં તેની બોડીમાં બનેલા ખુલ્લા ભાગમાંથી તેઓ બહાર નીકળી શક્યા હતા.
એવિએશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સીટ 11A વિંગ બોક્સ નજીક હતી, જે વિમાનના સૌથી મજબૂત ભાગોમાંનો એક માનવામાં આવે છે. આ પરિબળ પણ તેમના બચાવનું એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે.
શું બની હતી 12 જૂન 2025ની ઘટના?
12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 બપોરે આશરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ બાદ માત્ર 32 સેકન્ડમાં જ વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં ભારતીય, બ્રિટિશ, પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકો સહિત કુલ 260 લોકોનાં મોત થયા હતા.
આજે પણ જવાબોની રાહ
દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ અનેક પ્રશ્નો અને યાદો યથાવત છે. વિશ્વાસ કુમાર રમેશ માટે આ માત્ર એક અકસ્માત નહીં પરંતુ જીવનને સંપૂર્ણપણે બદલી નાખનાર ઘટના બની ગઈ છે. તેમની જેમ અનેક પીડિત પરિવારો આજે પણ સત્ય, જવાબદારી અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે, જેથી આ દુઃખદ ઘટનાના તમામ પાસાં સામે આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel