ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠા, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યના નાગરિકો, ખેડૂતો અને પશુધનના હિતોની સુરક્ષા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે અલ-નીનોની અસરને કારણે જો વરસાદમાં ઘટાડો થાય તો પણ રાજ્યમાં પીવાના પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના સૌની (SAUNI) યોજના હેઠળ આવેલા જળાશયો અને ડેમોને પ્રાથમિકતા આધારે નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી પાણીની ઉપલબ્ધતા જાળવવામાં મદદ મળશે.
રાજ્ય સરકારે નર્મદા જળ વિતરણ વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી નર્મદા પાઇપલાઇનથી માત્ર 3 કિલોમીટરના વિસ્તાર સુધી આવેલા તળાવો જ ભરવામાં આવતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે સુજલામ-સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના 300થી વધુ તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે, જે પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આગામી સમયમાં અલ-નીનો (El-Niño) ના સંભવિત પડકારો સામે ગુજરાતની સજ્જતા અને આગોતરા આયોજન અંગે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી.
ગુજરાતના નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. પીવાના પાણીની ઉપલબ્ધતા માટે નર્મદા પાઇપલાઇનથી તળાવો ભરવાની… pic.twitter.com/WJOEU5glLI
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 18, 2026
ખેડૂતો માટે ખાસ ‘આકસ્મિક પાક આયોજન’ તૈયાર
ખરીફ સીઝન 2026ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. ખેડૂતોને સંભવિત હવામાન પરિવર્તન અને ઓછા વરસાદની સ્થિતિમાં માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી ‘આકસ્મિક પાક આયોજન’ (Contingency Crop Planning) તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્ય સરકારના AI આધારિત ‘કૃષિ પ્રગતિ’ પ્લેટફોર્મ દ્વારા 50 લાખથી વધુ ખેડૂતોને તેમના મોબાઇલ ફોન પર લાઇવ હવામાન માહિતી, પાક સલાહ, સિંચાઈ માર્ગદર્શન અને કૃષિ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ મોકલવામાં આવી રહી છે. આ ટેક્નોલોજી આધારિત પહેલ ખેડૂતોને સમયસર નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે.
પશુધન માટે બે વર્ષનો ઘાસચારો ઉપલબ્ધ
સરકારે પશુધનની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપી છે. વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા ઘાસચારા અને ચારા વ્યવસ્થાપન માટે આગોતરા આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજ્ય પાસે લગભગ બે વર્ષ સુધી પૂરતો રહે તેવો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
મહેસૂલ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને પણ 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખી તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
દરેક અલ-નીનો વર્ષે દુષ્કાળ આવે એવું જરૂરી નથી
રાજ્ય સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, દરેક અલ-નીનો વર્ષમાં ઓછો વરસાદ પડે એવું જરૂરી નથી. વર્ષ 2006 અને 2023 દરમિયાન તીવ્ર અલ-નીનો હોવા છતાં ગુજરાતમાં સામાન્ય કરતાં 117 ટકા વરસાદ નોંધાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યનું વહીવટીતંત્ર, કૃષિ વૈજ્ઞાનિકો અને સંબંધિત તમામ વિભાગો સંપૂર્ણ સંકલન સાથે કાર્ય કરી રહ્યા છે અને કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સંપૂર્ણપણે તૈયાર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel