ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવવામાં, આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરવામાં અને સંસ્થાના વિવિધ સેવાકાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સતત સહયોગ આપનાર પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓ સ્નેહ મિલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય સંતો દ્વારા સૌ મીડિયાકર્મીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌ પત્રકાર મિત્રોએ પરસ્પર આત્મીયતા અને સ્નેહની આપ-લે કરી હતી અને સાથે સાથે પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ રૂડા અવસરે સારંગપુર મંદિર ખાતે ‘સત્સંગ દિન’ ની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો. આ વિશેષ ‘સત્સંગ દિન’ નિમિત્તે BAPS ના યુવકો દ્વારા અત્યંત સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. “સુખી જીવન બનાવવામાં સત્સંગ કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે” – તે વિષય પર આકર્ષક સંવાદોના માધ્યમથી સચોટ રજૂઆત કરી હતી. આજના તણાવયુક્ત સમયમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર સિંચનનો સંદેશ આપતી પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે નિયમિત સત્સંગ કરવો ખૂબ જ આવશ્યક છે. સૌ હરિભક્તો માટે આજની આ સભા અત્યંત પ્રેરણાદાયક બની રહી હતી. સમગ્ર સારંગપુર પરિસરમાં સત્સંગ, ભક્તિ અને આત્મીયતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel