સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલના 20 વર્ષના અવિરત અને સફળ સેવાકાળની પૂર્ણતા નિમિત્તે ‘આરોહણ’ મહોત્સવનું ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. ભીખુભાઈ પટેલની બે દાયકાની સેવાયાત્રા, શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાન અને સંસ્થાના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સમર્પિત આ સમારોહ ભાવસભર અને યાદગાર રહ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના નૃત્ય સાથે કરવામાં આવ્યો હતો. પ્રસંગે પ.પૂ. શ્રી ગણેશદાસજી મહારાજ, મહંત શ્રી સંતારામ મંદિર-ઉમરેઠ; પ.પૂ. શ્રી મોરારીદાસ મહારાજ, મહંત શ્રી સંતારામ મંદિર-કરમસદ; ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી; સિક્સ સિગ્મા હેલ્થકેર, નવી દિલ્હીના સ્થાપક અને CEO ડૉ. પ્રદીપ ભારદ્વાજ; GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી; ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલ; ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી નિરવભાઈ અમીન; કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપીકાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા અને જાહેરજીવન સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપરાંત SPET પરિવારના ટ્રસ્ટીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ડૉ. ભીખુભાઈ પટેલના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. ભીખુભાઈ પટેલ સાથે જોડાયેલા સંસ્મરણો અને અનુભવો રજૂ કરતાં તેમના સરળ વ્યક્તિત્વ, સેવાભાવ, શૈક્ષણિક દૃષ્ટિકોણ અને સંસ્થાકીય નેતૃત્વને બિરદાવ્યું હતું. પરિવારજનોએ પણ તેમના જીવનમૂલ્યો તેમજ પરિવાર અને સમાજ પ્રત્યેના અભિગમ અંગે ભાવસભર સંસ્મરણો રજૂ કર્યા હતા.
સિક્સ સિગ્મા હેલ્થકેર સાથે મહત્વપૂર્ણ MOU
સમારોહનું વિશેષ આકર્ષણ આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે થયેલી મહત્વપૂર્ણ પહેલ રહી હતી. સિક્સ સિગ્મા હેલ્થકેર, નવી દિલ્હીના સ્થાપક અને CEO ડૉ. પ્રદીપ ભારદ્વાજ તથા ડૉ. ભીખુભાઈ એન. પટેલ દ્વારા બી. એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ હેલ્થકેર એન્ડ સાયન્સિસ સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સહયોગથી ભવિષ્યમાં આરોગ્ય અને એપ્લાઇડ હેલ્થકેર ક્ષેત્રે નવી શૈક્ષણિક તેમજ વ્યવસાયલક્ષી તકો ઊભી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
વિશેષ સોવિનિયર અને આઠ પુસ્તકોનું વિમોચન
આ પ્રસંગે ડૉ. ભીખુભાઈ પટેલના 20 વર્ષના સફળ સેવાકાળને ઉજાગર કરતા વિશેષ સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓના અધ્યાપકો દ્વારા લખાયેલા કુલ આઠ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો
C. P. Patel & F. H. Shah Commerce College, N. S. Patel Arts College, B. N. Patel College of Nursing અને B. N. Patel College of Physiotherapy સહિત ટ્રસ્ટની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સમારોહને રંગારંગ બનાવ્યો હતો.
ત્યારબાદ SPET પરિવારના સભ્યોએ ગ્રુપ મ્યુઝિકલ સેશનમાં સહભાગી બની પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે કેમ્પસ ડિરેક્ટર કાર્તિક દવેએ આભારવિધિ કરી હતી. સૌએ સામૂહિક રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જયશ્રી દિક્ષિત અને પ્રદીપ પટેલે કર્યું હતું.
ડૉ. ભીખુભાઈ પટેલની બે દાયકાની સેવાયાત્રાને સમર્પિત ‘આરોહણ’ મહોત્સવ માત્ર સન્માન સમારોહ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ શિક્ષણ, સેવા, સંસ્કાર અને સંસ્થાના ભાવિ સંકલ્પોની ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ બન્યો હતો.
ભાવેશ સોની (આણંદ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel