આંતરધર્મીય સંબંધો અને લિવ-ઈન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 હેઠળ આંતરધર્મીય લગ્ન અથવા લિવ-ઈન સંબંધો પર કોઈ પ્રતિબંધ નથી. જો બે પુખ્ત વ્યક્તિઓ પોતાની મરજીથી સાથે રહેવાનું પસંદ કરે છે, તો તે ગુનો ગણાતો નથી.
કોર્ટે આ કેસમાં 12 આંતરધર્મીય યુગલોને રાહત આપતા તેમને જરૂરી હોય ત્યારે પોલીસ સુરક્ષા આપવા પણ નિર્દેશ આપ્યો છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં ખાસ કરીને અલગ ધર્મના યુગલો વચ્ચેના સંબંધો અને ધર્માંતરણ વિરોધી કાયદાના ઉપયોગ અંગે ચર્ચા ચાલી રહી છે.
શું છે સમગ્ર મામલો
અલ્લાહાબાદ હાઈકોર્ટમાં 12 અલગ અલગ યુગલોએ અરજી દાખલ કરી હતી. આ યુગલોમાંથી 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
યુગલોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમના પરિવારજનો અને સમાજના કેટલાક તત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેથી તેમણે કોર્ટ પાસે પોલીસ સુરક્ષા આપવા માંગ કરી હતી.
ધર્માંતરણ ન હોય તો કાયદો લાગુ નથી
આ મામલે સુનાવણી કરતી વખતે જસ્ટિસ વિવેક કુમાર સિંહની ખંડપીઠે જણાવ્યું કે જ્યાં સુધી ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.
કોર્ટે નોંધ્યું કે આ તમામ યુગલો પુખ્ત વયના છે અને પોતાની મરજીથી સાથે રહેવાનું પસંદ કરી રહ્યા છે. કોર્ટ તેમને માત્ર ‘હિન્દુ’ કે ‘મુસ્લિમ’ તરીકે નહીં પરંતુ બે સ્વતંત્ર પુખ્ત નાગરિક તરીકે જુએ છે.
બંધારણનો કલમ 21 આપે છે અધિકાર
કોર્ટે કહ્યું કે ભારતીય બંધારણની કલમ 21 દરેક નાગરિકને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાનો અને પસંદગીની વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર આપે છે. ધર્મના આધારે આ અધિકાર છીનવી શકાય નહીં.
ઉત્તર પ્રદેશ સરકારની દલીલ ફગાવી
સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારએ દલીલ કરી હતી કે યુગલોએ ધર્માંતરણ માટે કલેક્ટર પાસે અરજી નથી કરી, તેથી તેમનો સંબંધ ગેરકાયદે ગણાવી શકાય.
પરંતુ કોર્ટે આ દલીલને ફગાવતા કહ્યું કે યુગલોએ ધર્મ બદલ્યો જ નથી. તેઓ પોતપોતાના ધર્મનું પાલન કરતા સાથે રહે છે, તેથી ધર્માંતરણ માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી.
પોલીસ સુરક્ષા આપવા નિર્દેશ
હાઈકોર્ટે તમામ 12 યુગલને રાહત આપતા સંબંધિત જિલ્લાઓના પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે જો યુગલો સુરક્ષા માંગે તો તેમને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે.
કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ તેમને બળજબરીથી ધર્માંતરણ માટે દબાણ કરે, તો યુગલો તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી શકે છે.
કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીનો અધિકાર ધાર્મિક ઓળખ કરતા પણ મહત્વનો છે. જો બે પુખ્ત વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય, તો કુટુંબ, સમાજ કે રાજ્ય તેની વ્યક્તિગત પસંદગીમાં દખલ કરી શકતું નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel