મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવો Government Resolution (GR) જાહેર કરીને મુસ્લિમ સમુદાયને મળતા 5% શૈક્ષણિક અનામત સંબંધિત તમામ જૂના આદેશો અને પરિપત્રોને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ હવે આ શ્રેણીના વિદ્યાર્થીઓને કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં 5% અનામત હેઠળ પ્રવેશ મળશે નહીં તેમજ નવા જાતિ પ્રમાણપત્રો અથવા માન્યતા પ્રમાણપત્રો પણ જારી કરવામાં આવશે નહીં.
2014ના વટહુકમનો અંત, વર્ષોની કાનૂની અનિશ્ચિતતા પછી નિર્ણય
જાણકારી મુજબ, વર્ષ 2014માં તત્કાલીન કોંગ્રેસ-NCP સરકારે વટહુકમ (Ordinance) મારફતે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં 5% અનામત આપવાનો નિર્ણય લીધો હતો. જોકે કાનૂની પડકારો અને કોર્ટના સ્ટેને કારણે આ અનામત વર્ષો સુધી અનિશ્ચિતતામાં રહ્યું હતું. હવે રાજ્ય સરકારે આ સંબંધિત તમામ GR અને પરિપત્રોને અમાન્ય જાહેર કરીને આ પ્રકરણને પૂર્ણવિરામ આપ્યું છે.
GR મુજબ એડમિશન પ્રક્રિયા પર સંપૂર્ણ રોક
સરકાર દ્વારા જાહેર કરાયેલા GR પ્રમાણે હવે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા મુસ્લિમ અનામત શ્રેણી હેઠળ એડમિશન આપી શકશે નહીં. ઉપરાંત આ શ્રેણી હેઠળ ચાલી રહેલી તમામ પેન્ડિંગ પ્રક્રિયાઓ પણ અટકાવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં અનામત અંગે ફરી રાજકીય ચર્ચા તેજ બની છે.
ફડણવીસ સરકારના નિર્ણય સામે AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે રમઝાન પહેલાં મુસ્લિમ સમુદાયનું 5% શૈક્ષણિક અનામત ખતમ કરી દીધું છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટે મુસ્લિમોમાં શિક્ષણ છોડવાનો દર ઊંચો હોવાનું માન્ય રાખ્યું હતું, છતાં સરકાર દ્વારા અનામત દૂર કરવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રો. વર્ષા એકનાથ ગાયકવાડે પણ સરકારને ઘેરી હતી અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારા પર સવાલ ઉઠાવ્યા હતા.
લઘુમતી વિભાગમાં ટ્રાન્સફર અને 75 મંજૂરીઓ પર તપાસ
આ સમગ્ર મુદ્દા વચ્ચે લઘુમતી વિભાગના નાયબ સચિવ મિલિંદ શેનૉયની બદલી પણ કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2026 વચ્ચે 75થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને ઝડપી ગતિએ લઘુમતી દરજ્જો આપવામાં આવ્યો હોવાના વિવાદ બાદ આ કાર્યવાહી થઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ મંજૂરીઓ સ્થગિત કરીને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પોદાર ઈન્ટરનેશનલની 25 શાળાઓ સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ આ તપાસના ઘેરામાં આવી છે.
સરકારના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં અનામતનો મુદ્દો ફરી રાજકીય અને સામાજિક ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એક તરફ સરકાર આ પગલાને નીતિગત સ્પષ્ટતા તરીકે રજૂ કરી રહી છે, જ્યારે વિપક્ષ તેને લઘુમતી સમુદાય માટે મોટો ઝટકો ગણાવી રહ્યું છે. આગામી સમયમાં આ મુદ્દે વધુ રાજકીય ટકરાવ જોવા મળી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel