ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપક બગાડ સર્જાયો છે. ઇન્ડિગોને સામાન્ય કામગીરી માટે 2,422 પાયલોટની જરૂર હોવા છતાં હાલમાં માત્ર 2,357 પાયલોટ જ ઉપલબ્ધ છે, જેના કારણે દૈનિક 2300 ફ્લાઈટ્સમાંથી આશરે 300 ફ્લાઈટ સુધી ઘટાડો કરવામાં આવ્યો છે.
આ પરિસ્થિતિ વધુ વિકરાળ બનવા પાછળનું મુખ્ય કારણ એવું રહ્યું કે જૂન 2025ના પ્રથમ તબક્કા અને 1 નવેમ્બર 2025થી શરૂ થયેલા બીજા તબક્કાના નવા FDTL નિયમોના અમલમાં એરલાઇન દ્વારા સમયસર યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહોતું. આ નિયમો અનુસાર પાયલોટ્સને વધુ આરામની જરૂરિયાત, તેમજ રાત્રિના લેન્ડિંગ્સની સંખ્યા અઠવાડિયે છથી ઘટાડી બે કરવાની ફરજ પડે છે.
— IndiGo (@IndiGo6E) December 5, 2025
DGCAએ આ પરિસ્થિતિને “મિસજજમેન્ટ અને પ્લાનિંગ ગેપ્સ”નું પરિણામ ગણાવ્યું છે. યાત્રિકો પર સૌથી વધુ અસર ત્યારે જોવા મળી જ્યારે 5 ડિસેમ્બરે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મુખ્ય હબ્સમાં મોટા પાયે ફ્લાઈટ્સ રદ્દ થઈ અને પંક્ચ્યુઅલિટી માત્ર 8.5 ટકા સુધી આવી પહોંચી. પરિસ્થિતિ ગંભીર બનતા કેન્દ્ર સરકારે આજે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. તપાસનો મુખ્ય ઉદેશ પાયલોટની અછત સાથે સાથે એરલાઇનના આંતરિક વ્યવસ્થાપનમાં કોઈ ખામી છે કે કેમ તે જાણવા છે.
તાત્કાલિક રાહત રૂપે DGCAએ FDTLનાં નાઇટ લેન્ડિંગ અને આરામ સંબંધિત નિયમો સ્થગિત કર્યા છે તેમજ તેના ફ્લાઇટ સેફ્ટી ઇન્સ્પેક્ટર્સને પણ કટોકટીના સમયમાં ઇન્ડિગો માટે પાયલોટ તરીકે સેવા આપવા મંજૂરી આપી છે. મુસાફરોના હિતમાં 5થી 15 ડિસેમ્બર વચ્ચે રદ્દ થયેલી ફ્લાઈટ્સ માટે ફ્રી રીશેડ્યુલિંગ અથવા રિફંડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
ઇન્ડિગો તરફથી જણાવાયું છે કે 8 ડિસેમ્બરથી સ્થિતિમાં સુધારો શરૂ થશે અને ફેબ્રુઆરી 2026 સુધીમાં સંપૂર્ણ કામગીરી સામાન્ય થવાની આશા છે. કેન્દ્ર સરકાર અને DGCA આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી 72 કલાકમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel