ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics (BISAG) ના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા તેને માનવતા અને આવનારી પેઢી માટેનું પવિત્ર કાર્ય ગણાવ્યું હતું.
રાજ્યપાલે અધિકારીઓ અને પ્રશિક્ષકોને આ મિશન માટે સમર્પણભાવથી કાર્ય કરવાની અપીલ કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે સસ્તી અને અસરકારક પદ્ધતિ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરંપરાગત જૈવિક ખેતીમાં ખર્ચ અને મહેનત વધુ હોય છે, જ્યારે ઉત્પાદન ઓછું મળે છે. તેના વિપરીત, પ્રાકૃતિક ખેતીમાં બહારથી મોંઘા ખાતર અથવા દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી અને એક દેશી ગાયથી જ ખેતી સફળતાપૂર્વક કરી શકાય છે.
તેમણે જણાવ્યું કે દેશી ગાયના માત્ર 1 ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. ગૌમૂત્ર, છાણ, ગોળ, માટી અને બેસનથી તૈયાર થતું ‘જીવામૃત’ સૂક્ષ્મ જીવાણુઓથી ભરપૂર હોય છે, જેમાં રહેલા બેક્ટેરિયા દર 20 મિનિટે બમણા થાય છે. 72 કલાકમાં તેમાં અબજો-ખરબો જીવાણુઓ વિકસે છે, જે જમીનમાં રહેલા ખનીજ તત્વોને છોડ માટે પોષક તત્વોમાં પરિવર્તિત કરવામાં મદદરૂપ બને છે.
રાજ્યપાલે રાસાયણિક ખેતીના દુષ્પરિણામો પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત દર વર્ષે વિદેશમાંથી યૂરિયા અને ડી.એ.પી. જેવા ખાતરોની આયાત માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. તેમણે ચેતવણી આપી કે રસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડના વધતા ઉપયોગને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત, જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.5% થી નીચે પહોંચી ગયો છે, જેના કારણે જમીન કઠણ બની રહી છે અને વરસાદી પાણી શોષવાની ક્ષમતા ઘટી રહી છે, જેના પરિણામે પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
તેમણે ગામે-ગામે જઈને તાલીમ આપતી કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને અનુરોધ કર્યો કે તેઓ પોતાના ખેતરોને ‘પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ’ બનાવે. તેમણે સૂચન કર્યું કે દરેક ખેડૂત પોતાની જમીનના ઓછામાં ઓછા ચોથા ભાગમાં પ્રાયોગિક રીતે પ્રાકૃતિક ખેતી શરૂ કરે. આ સાથે તેમણે નરેન્દ્ર મોદીના ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન’ને સફળ બનાવવા દરેક ગામમાં ઓછામાં ઓછા 75 પ્રાકૃતિક ખેડૂતો તૈયાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ નિતિન સાંગવાન, આત્મા પ્રોજેક્ટના નિયામક એસ. કે. જોશી, ગોપકા ના નિયામક અનિલ પટેલ અને બાગાયત નિયામક એચ. એમ. ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel