ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રામને વધુ તેજ બનાવ્યો છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં યોજાયેલી આ સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.
સભાસ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચતા જ કાર્યકરોએ ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. રજની નગર સોસાયટી નજીક યોજાયેલી આ સભામાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના યોગદાનને યાદ કરીને તેમના પુત્ર હર્ષદ પરમારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં માત્ર રાજકીય નેતા તરીકે નહીં પરંતુ ગોવિંદભાઈ પરમારના પરિવારના મોભી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને હર્ષદ પરમારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે ભાજપાના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી, ત્યારે શ્રી હર્ષદભાઈના વિજય સંકલ્પ સાથે આયોજિત જનસભામાં ઉમરેઠની જનતા જનાર્દન સાથે સંવાદ સાધ્યો.
ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઇ પરમારને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ… pic.twitter.com/0CWqsCEzx2
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 4, 2026
સભામાં ભાજપ સરકારની વિવિધ સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં મજબૂત કાયદો-વ્યવસ્થા, ધાર્મિક અને સાંસ્કૃતિક પહેલો તેમજ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ‘છોટા કાશી’ તરીકે ઓળખાતી ઉમરેઠના સર્વાંગી વિકાસ માટે ભાજપને ફરી સત્તા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે પોતાના સંબોધનમાં અત્યંત ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદ સાથે જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે હાજર જનમેદનીને આશીર્વાદ આપવા વિનંતી કરી અને વિસ્તારના અધૂરા વિકાસકાર્યોને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર સ્વ. ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પી અને જણાવ્યું કે તેઓ લોકો સાથે આત્મીયતાથી જોડાયેલા નેતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભાજપ પ્રત્યે જનતાનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે.
સભા બાદ મુખ્યમંત્રીની હાજરીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ-નગારા અને ડીજેના તાલે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ શક્તિપ્રદર્શને ઉમરેઠ બેઠક પરની રાજકીય સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી દીધી છે અને વિરોધ પક્ષોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel