કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તાના પુનર્વસવાટ માટે ચાલી રહેલા લાંબા સમયના પ્રયાસોને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે. જેના પગલે આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ તબક્કામાં 4 ચિત્તા (2 નર અને 2 માદા) બન્નીમાં ટ્રાન્સલોકેટ કરવામાં આવશે.
કેન્યાથી ચિત્તા લાવવાની યોજના
વન વિભાગના સૂત્રો મુજબ ચિત્તાઓને કેન્યાથી લાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ વર્ષ દરમિયાન કુલ આશરે 12 ચિત્તા ભારતમાં લાવવાની યોજના છે. ટ્રાન્સલોકેશન બાદ ચિત્તાઓને પહેલા એક મહિના સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને બન્નીના સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
બન્નીમાં 500 હેક્ટરમાં વિશાળ અભયારણ્ય તૈયાર
ચિત્તા પ્રોજેક્ટ માટે વર્ષ 2024થી બન્નીના ઘાસિયા મેદાનમાં 500 હેક્ટરથી વધુ વિસ્તારમાં વિશાળ અભયારણ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંદાજે ₹20 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ અંતર્ગત 10 કિમી લાંબી કાંટાળી વાડ સાથે સુરક્ષિત ખુલ્લું અભયારણ્ય વિકસાવવામાં આવ્યું છે.
આ વિસ્તારમાં ચિત્તાના નિવાસ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમ કે—
- પાણીના પોઈન્ટ્સ
- કૃત્રિમ શેડ
- ઊંચા ટેકરાવાળા શિકાર વિસ્તાર
- ચિંકારા પ્રજનન કેન્દ્ર (prey base development)
હાલ સુધીમાં આ પ્રોજેક્ટમાં લગભગ ₹14.70 કરોડનો ખર્ચ થયો છે.
ભારતમાંથી લુપ્ત થયેલી પ્રજાતિની વાપસી
ચિત્તાને ભારતમાં વર્ષ 1952માં સત્તાવાર રીતે લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક નોંધો મુજબ કચ્છમાં છેલ્લે 1839 અને 1872 દરમિયાન ચિત્તા જોવા મળ્યા હતા, જ્યારે ગુજરાતમાં છેલ્લો ચિત્તો 1940માં વિસાવદર વિસ્તારમાં નોંધાયો હતો.
હવે દાયકાઓ બાદ બન્ની વિસ્તારમાં ચિત્તાની વાપસી ભારતના વન્યજીવ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel