ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામમાં પણ આવો જ એક વિવાદ પ્રગટ થયો હતો, જ્યાં કોઈ પણ પ્રકારની સરકારી અથવા પંચાયતી પરવાનગી લીધા વિના એક ખ્રિસ્તી પાદરે ખાનગી ખેતરમાં ચર્ચનું બાંધકામ શરૂ કરવાની તૈયારી કરી હતી. ગામમાં હિંદુ વસ્તી બહુમતીમાં છે અને ખ્રિસ્તી વસ્તી લગભગ નહિવત છે, તેથી આ પ્રકારના બાંધકામ પાછળ ભવિષ્યમાં ધર્માંતરણ પ્રવૃત્તિઓ વધવાની શંકા ઊભી થઈ હતી. ગામના હિંદુઓને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ તપાસ કરતા માલૂમ પડ્યું કે બાંધકામ માટે કોઈ કાયદેસર મંજૂરી લેવામાં આવી નહોતી, જેના કારણે સમગ્ર ગામમાં ગંભીર ચિંતા સાથે વિરોધનો માહોલ સર્જાયો હતો.
વિરોધ વધતા આદિવાસી સમાજમાં કાર્યરત દેવ બિરસા સેનાએ પણ મુદ્દાને હાથમાં લીધો. સંસ્થાના સ્થાનિક આગેવાનો ગામના હિંદુ આગેવાનો સાથે મળીને ઉમરપાડાના મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ચર્ચના ગેરકાયદે બાંધકામ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી. સાથે જ, જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન કરવાનો ઈશારો પણ કર્યો હતો. મામલો તાત્કાલિક ઉપરના સ્તરે મોકલવામાં આવ્યો અને કલેક્ટરને વિગતવાર અહેવાલ પાઠવવામાં આવ્યો. બીજી તરફ, વધતા વિરોધ અને સર્જાયેલા દબાણને જોતા ચર્ચ બનાવવાની તૈયારી કરતા પાદરે ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે મુલાકાત કરી ચર્ચનું બાંધકામ ન કરવાની બાંહેધરી આપી અને આપેલ આવેદનપત્ર પાછું ખેંચવા વિનંતી કરી.
ગામ લોકોને બાંહેધરી મળ્યા પછી ગામના આગેવાનોને સંતોષ થયો અને તેમણે આવેદનપત્ર પરત લઈ લીધો. મામલતદાર આર.કે. ચૌધરીએ જણાવ્યું કે ગ્રામ પંચાયતના હસ્તક્ષેપથી વિવાદનું નિરાકરણ આવી ગયું છે, જેથી હવે ઉચ્ચ સ્તરે કોઈ વિશેષ કાર્યવાહી કરવાની જરૂર નથી. તેમણે ખાતરી આપી કે આ અંગેનો તાજેતરનો અહેવાલ કલેક્ટરને મોકલવામાં આવશે. દેવ બિરસા સેનાના ઉમરપાડા અધ્યક્ષ ચિરાગ વસાવાએ જણાવ્યું કે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા તેઓ સતત સક્રિય છે અને વહારમાં ગેરકાયદેસર ચર્ચ બાંધકામના સમાચાર મળતા તેઓએ તરત જ ગામલોકો સાથે મળીને પગલા લીધા. તેમણે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ અથવા ધર્માંતરણ પ્રવૃત્તિઓ જોવા મળશે તો સંસ્થા વધુ ઉગ્રતાથી મુદ્દો ઉપાડશે.
ગયા સમયગાળા દરમિયાન તાપી અને ડાંગ જેવા વિસ્તારોમાં ગેરકાયદે ચર્ચબાંધકામ અને બાદમાં ધર્માંતરણ પ્રવૃત્તિઓથી અનેક ગામડાંની ડેમોગ્રાફીમાં ફેરફારો થયા છે. હવે આ દૂષણ ઉત્તર તરફ ખસે છે તેવી ચિંતા પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. તેમ છતાં વહાર ગામના રહેવાસીઓ અને સ્થાનિક સંગઠનોની તાત્કાલિક સક્રિયતા અને પ્રતિક્રિયાના કારણે હાલ પૂરતું ગામ ધર્માંતરણના જોખમમાંથી બચી ગયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel