ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓને પાણીની અછત ન રહે તે માટે 250 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે.
વનવિભાગ દ્વારા જણાવાયું છે કે આ પાણીના પોઈન્ટ ડિવિઝન હેઠળ આવતી 8 અલગ-અલગ રેન્જમાં બનાવવામાં આવ્યા છે. દરેક રેન્જમાં બીટ ગાર્ડને નિયમિત પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ઉનાળાની ગરમીમાં પણ સિંહો અને અન્ય પ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ રહે.
ખાસ કરીને અંબાર્ડી સફારી પાર્કમાં વસવાટ કરતા સિંહ પરિવારો માટે વધારાની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. અહીં કુલર, ઓગર જેવી ઠંડક આપતી વ્યવસ્થાઓ સાથે પ્રાણીઓને આરામદાયક વાતાવરણ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં હરણ, પક્ષીઓ અને મધમાખીઓ માટે પણ પાણીના સ્ત્રોતો વિકસાવવામાં આવ્યા છે.
વનવિભાગ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી ગીરના સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે સકારાત્મક પરિણામો મળવાની અપેક્ષા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઉનાળાની કઠિન પરિસ્થિતિમાં પણ વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે વિભાગ સંપૂર્ણ સજ્જ છે અને સતત દેખરેખ રાખી રહ્યો છે.
આ પ્રકારની વ્યવસ્થાઓથી એશિયાઈ સિંહ સહિત ગીરના તમામ વન્યજીવોને ઉનાળામાં રાહત મળશે અને તેમના જીવન માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel