ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી, પરંતુ ટ્રેનના એક કોચને નુકસાન થયું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે આ જ કોચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા.
E1 કોચની બારીનો કાચ તૂટી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7:45 વાગ્યે બની હતી. ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ ઈટાવા-ટુંડલા રેલવે રૂટ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ફિરોઝાબાદ અને માખણપુર સ્ટેશન વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેન પર જોરદાર પથ્થર ફેંક્યો હતો.
પથ્થર સીધો E1 કોચમાં સીટ નંબર 53-54 પાસે વાગતા બારીનો કાચ તૂટી ગયો હતો. કાચના ટુકડા કોચની અંદર ફેલાઈ જતા મુસાફરોમાં એક ક્ષણ માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી.
મોહન ભાગવત તે જ કોચમાં કરી રહ્યા હતા મુસાફરી
ઘટના સમયે RSS પ્રમુખ મોહન ભાગવત પણ E1 કોચમાં હાજર હતા. તેઓ કાનપુરથી નવી દિલ્હી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. પથ્થરમારાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી.
પોલીસ અને રેલવે અધિકારીઓએ બાદમાં સ્પષ્ટ કર્યું હતું કે મોહન ભાગવત સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન પહોંચ્યું નથી. તેમ છતાં, ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.
#WATCH | Firozabad, Uttar Pradesh: Regarding the stone-pelting incident involving the Shatabdi Express,
DSP Aditya Langh says, At approximately 7:15 AM, near the border area of the South and Rasulpur police station jurisdictions, information was received that a train… https://t.co/3fhmNO9Bey pic.twitter.com/2303L1oOu5
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 11, 2026
ટ્રેનને રોકી તપાસ હાથ ધરાઈ
પથ્થરમારાની ઘટના બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટુંડલા સ્ટેશન પહોંચતા પહેલાં ટ્રેનને બાહ્ય ટ્રેક પર થોડા સમય માટે રોકવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક આદિત્ય લગાહ, રેલવે પોલીસ અધિકારી અનિલ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓએ કોચનું નિરીક્ષણ કર્યું હતું અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. રેલવે અને પોલીસ વિભાગ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાના અનુસંધાને એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને હુમલા પાછળનો હેતુ શું હતો તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ સામાન્ય પથ્થરમારાની ઘટના હતી કે પછી કોઈ પૂર્વનિયોજિત કાવતરાનો ભાગ હતો. ઘટનાને કારણે ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં મોડેથી નવી દિલ્હી પહોંચી હતી.
રેલવે સુરક્ષા પર ફરી ઉઠ્યા પ્રશ્નો
આ ઘટના બાદ ફરી એકવાર ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં આવી છે. ખાસ કરીને જ્યારે દેશના એક મોટા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનના વડા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે સુરક્ષા વધુ મજબૂત હોવી જોઈએ તેવી ચર્ચા થઈ રહી છે. હાલમાં રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel