મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શરૂ કરાયેલી પાંચ દિવસીય ઝુંબેશ દરમિયાન સ્થિતિ બપોર બાદ અચાનક તંગ બની ગઈ હતી.
બૉમ્બે હાઇકોર્ટના 29 એપ્રિલના આદેશ મુજબ હાથ ધરાયેલી આ કાર્યવાહી હેઠળ લગભગ ₹600 કરોડની કિંમત ધરાવતી 5,200 ચોરસ મીટર રેલવે જમીન ખાલી કરાવવાનો હેતુ છે. આ વિસ્તારમાં લગભગ 500 ગેરકાયદેસર બાંધકામોને તોડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી બીજા દિવસના અંત સુધીમાં લગભગ 60% દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલી કાર્યવાહી બપોરે લગભગ 3 વાગ્યે વણસી ગઈ. રેલવેના ડિમોલિશન સ્કવોડ દ્વારા ટ્રેક નજીક અને બાંદ્રા ઈસ્ટ સ્કાયવૉક પાસે આવેલી એક મસ્જિદ હટાવવાનું કામ શરૂ થતાં જ સ્થાનિક લોકો ઉશ્કેરાઈ ગયા. ત્યારબાદ ભીડે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પર પથ્થરમારો કર્યો તેમજ વાસણો અને અન્ય વસ્તુઓ ફેંકીને વિરોધ નોંધાવ્યો.
પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. આ ઘર્ષણમાં મુંબઈ પોલીસના 7 જવાનો સહિત કુલ 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને તાત્કાલિક ભાભા હોસ્પિટલ અને વી.એન. દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે બે લોકો હજુ સારવાર હેઠળ છે.
ઘટના બાદ નિર્મલ નગર પોલીસે ગેરકાયદેસર ટોળું ભેગું કરવું, તોફાન કરવું અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાના ગુનાઓ હેઠળ FIR નોંધાવી છે અને 10થી વધુ લોકોને અટકાયત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રીજા દિવસે સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે અને 1200થી વધુ પોલીસ જવાનો તહેનાત કરીને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel