જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય પોલીસ સક્રિય બની છે, ત્યારે જામનગરમાં પણ એસ.ઓ.જી. (SOG) સ્ટાફે ઝુંબેશ હાથ ધરી હતી.
આ દરમિયાન પટેલ કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગ વખતે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શેરી નંબર-11માં સ્વસ્તિક મારબલની સામે આવેલા ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહે છે. બાતમીના આધારે દરોડા પાડતાં પોલીસે બે પુરુષ અને ત્રણ મહિલા મળી કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા હતા.
તપાસમાં ખુલ્યું કે આ પાંચેય લોકો પાસે ભારત સરકારની કોઈ માન્યતા, પાસપોર્ટ કે વિઝા નહોતાં અને તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુંઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદઆરીફ મુઝીબર શેખનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેમના પાસેથી પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું દર્શાવતા આધારકાર્ડ મળી આવ્યા હતા, જે ખોટા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે બે મહિલાઓ લાંબા સમયથી ભાડે રહેતી હતી, જ્યારે એક મહિલા તાજેતરમાં અહીં આવી હતી અને બંને પુરુષો પણ થોડા સમય પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. તમામ આરોપીઓને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ડિટેઇન કરીને પાસપોર્ટ એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ભારત સરકાર અને ભારતીય એમ્બેસીને જાણ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel