ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ, જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વિસ્તૃત માહિતી શેર કરી. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બેઠકમાં રાજ્યના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય, રીંછ અભયારણ્ય સહિતના મહત્વપૂર્ણ વન્યજીવ કેન્દ્રોનું વિકાસ અને તેમાં રહેલા પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વિશેષ રીતે, વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘ માટે કાયમી વસવાટ, સુરક્ષા અને ખોરાકની સુવિધા વધારવા પર ભાર મુકાયો છે. મંત્રીએ જણાવ્યું કે, વાઘની હાજરી રાજ્યના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. ગુજરાત વન વિભાગ ‘નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી’ (NTCA) સાથે સતત સંપર્કમાં રહી, તેમની સૂચનાઓ મુજબ તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોને ચુસ્તપણે અમલમાં લાવશે. વાઘના વસવાટ, ખોરાક અને સુરક્ષાની ક્ષમતા વધારવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઇકો ટુરિઝમ અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા, વિઝીટર્સ માટે પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે. NTCAની સહભાગીતાથી સ્થાનિક લોકોને વાઘ સંરક્ષણ અને કોમ્યુનિટી પાર્ટીશિપેશન માટે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપવા, સાથે જ પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી સંખ્યાના પરિણામે વન્યજીવ પર કોઈ નકારાત્મક અસર ન પડે તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો આપવામાં આવ્યા છે.
બેઠકમાં વધુ ચર્ચા દીપડાઓની વધતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડાઓ માટે અભયારણ્ય સુનિશ્ચિત કરવા માટેની યોજનાઓ પર પણ થઈ. આ તમામ પગલાં રાજ્યમાં વન્યજીવના સંરક્ષણ, ઇકો ટુરિઝમના વિકાસ અને પ્રાણીઓની સુરક્ષા માટે મજબૂત માળખું તૈયાર કરે છે, જેના થકી વન્યજીવન અને પર્યાવરણીય સંતુલન બંને જાળવવામાં મદદ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel