ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખસેડવામાં આવ્યો છે. 27 જુલાઈ 2026ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. મૃતદેહને ધાર્મિક વિધિઓ અને મૃતકના સન્માન સાથે કબ્રસ્તાનમાં પુનઃ દફનાવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયાનું વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત 11 જૂન 2026ના રોજ ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં એક મુસ્લિમ વ્યક્તિના અવસાન બાદ થઈ હતી. મૃતદેહને ગામના સત્તાવાર મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવવાને બદલે હિંદુ સ્મશાનભૂમિની બાજુમાં આવેલી 27 ગુંઠા વિવાદિત જમીન પર દફનાવવામાં આવ્યો હતો.
ગામમાં મુસ્લિમ સમાજ માટે અલગ અને સત્તાવાર કબ્રસ્તાન ઉપલબ્ધ હોવા છતાં વિવાદિત જમીન પસંદ કરવામાં આવતા સ્થાનિક હિંદુ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે આ પગલાથી ગામની શાંતિ અને સામાજિક સૌહાર્દને અસર થઈ શકે છે.
ગ્રામજનોએ મામલતદાર સમક્ષ કરી હતી રજૂઆત
વિવાદ વધતાં સ્થાનિક ગ્રામજનોએ ગારિયાધાર તાલુકા મામલતદાર સમક્ષ રજૂઆત કરીને મૃતદેહને વિવાદિત સ્થળેથી ખસેડવાની માંગ કરી હતી.
આ દરમિયાન ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં સરપંચની ફરિયાદના આધારે કેટલાક લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રામ પંચાયતે સંબંધિત પરિવારને નોટિસ પાઠવી હતી અને સત્તાવાર કબ્રસ્તાન હોવા છતાં વિવાદિત જમીનનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો તેનો જવાબ માંગ્યો હતો.
પંચાયતે નોટિસમાં ચેતવણી પણ આપી હતી કે યોગ્ય જવાબ નહીં મળે તો કાયદાકીય પ્રક્રિયા મુજબ મૃતદેહને ધાર્મિક વિધિઓ સાથે મૂળ કબ્રસ્તાનમાં ખસેડવામાં આવશે.
મુસ્લિમ પક્ષે કબ્રસ્તાન જાહેર કરવાની કરી હતી માંગ
વિવાદ દરમિયાન મુસ્લિમ પક્ષે પાલિતાણા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ વિવાદિત જમીનને મુસ્લિમ કબ્રસ્તાન તરીકે માન્યતા આપવા અરજી કરી હતી. જો કે, ડેપ્યુટી કલેક્ટરે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ નિર્ણય અને ગ્રામ પંચાયતની નોટિસને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટ સમક્ષ શું દલીલો થઈ?
અરજદારોએ દલીલ કરી હતી કે જૂના ગાયકવાડી મહેસૂલી રેકોર્ડમાં આ જમીનનો એક ભાગ દફનવિધિ માટે દર્શાવવામાં આવ્યો હતો અને હાલનું કબ્રસ્તાન ભરાઈ ગયું હોવાથી મૃતદેહ ત્યાં દફનાવવામાં આવ્યો હતો.
આ દલીલ બાદ ગુજરાત હાઇકોર્ટે મહેસૂલ અને પંચાયત વિભાગને સ્થળ તપાસનો આદેશ આપ્યો હતો.
તપાસમાં શું સામે આવ્યું?
હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા તપાસ અહેવાલમાં જણાવાયું હતું કે ગામનું સત્તાવાર મુસ્લિમ કબ્રસ્તાન આશરે 700 ચોરસ મીટર વિસ્તારમાં આવેલું છે અને તેમાં હજુ પણ પૂરતી ખાલી જગ્યા ઉપલબ્ધ છે.
તપાસમાં એ પણ સ્પષ્ટ થયું કે કબ્રસ્તાનની આસપાસ કમ્પાઉન્ડ વોલ છે અને દફનવિધિ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં મૃતદેહને વિવાદિત જમીનમાં દફનાવવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે હાઇકોર્ટે અરજદારોનો દાવો સ્વીકાર્યો નહોતો.
અગાઉ પણ બની હતી આવી જ ઘટના
તપાસ દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2021-22 દરમિયાન પણ આ જ પરિવાર દ્વારા આ જ વિવાદિત જમીન પર દફનવિધિ કરવામાં આવી હતી.
તે સમયે સ્થાનિક લોકોના વિરોધ બાદ મામલતદાર અને પોલીસની હાજરીમાં મૃતદેહને મૂળ કબ્રસ્તાનમાં ખસેડવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં ફરી આવી ઘટના નહીં બને તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી હતી.
હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
ગુજરાત હાઇકોર્ટે 13 જુલાઈ 2026ના રોજ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે સત્તાવાર કબ્રસ્તાન ઉપલબ્ધ હોય અને તેમાં પૂરતી જગ્યા પણ ખાલી હોય ત્યારે કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી જાહેર અથવા વિવાદિત જમીન પર દફનવિધિ કરી શકે નહીં.
કોર્ટે અરજદારોને 10 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે મૃતદેહને મૂળ કબ્રસ્તાનમાં ખસેડવાનો સમય આપ્યો હતો. સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે જો પરિવાર આદેશનું પાલન નહીં કરે તો રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોર્ટના આદેશનો અમલ કરાવી શકશે.
આખરે 27 જુલાઈએ તંત્રએ કરી કાર્યવાહી
હાઇકોર્ટના આદેશ છતાં નિર્ધારિત સમયમર્યાદામાં મૃતદેહ ખસેડવામાં આવ્યો ન હતો. ત્યારબાદ 27 જુલાઈ 2026ના રોજ ગારિયાધાર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), પોલીસ અધિકારીઓ અને અન્ય વહીવટી તંત્રની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવાદિત સ્થળેથી મૃતદેહને બહાર કાઢીને તમામ ધાર્મિક વિધિઓ સાથે રૂપાવટી ગામના સત્તાવાર મુસ્લિમ કબ્રસ્તાનમાં પુનઃ દફનાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
મામલતદાર બી. જી. ઝાલાના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને હાઇકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel