મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈપણ મુસાફરને જાનહાનિ પહોંચી નથી.
શોર્ટ સર્કિટથી આગ લાગવાની પ્રાથમિક આશંકા
પ્રાથમિક તપાસમાં ટ્રેનના એક કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય રેલવે દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન નંબર 12616, જે નવી દિલ્હીથી ચેન્નાઈના તાંબરમ સ્ટેશન તરફ જઈ રહી હતી, તે નાગપુરથી નીકળીને વર્ધા જિલ્લાના સિંધી રેલવે સ્ટેશન તરફ આગળ વધી રહી હતી.
છેલ્લા SLR કોચમાં દેખાયો ધુમાડો
સવારે આશરે 11:09 વાગ્યે ટ્રેનના છેલ્લાના SLR કોચમાંથી અચાનક ઘન ધુમાડો દેખાતા રેલવે સ્ટાફ સચેત બન્યો હતો. સ્થિતિની ગંભીરતા સમજીને ટ્રેનને તરત જ સિંધી–તુલજાપુર સેક્શન પર અટકાવવામાં આવી. સુરક્ષાને ધ્યાને રાખીને આગ લાગેલા કોચને તાત્કાલિક ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી, તમામ મુસાફરો સુરક્ષિત
મધ્ય રેલવેના પ્રવક્તા સંજય મુલેએ જણાવ્યું કે આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઝડપી કામગીરી કરીને આગને ફેલાતી અટકાવી દીધી હતી. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈને પણ ઇજા પહોંચી નથી.
રેલવે ટ્રાફિક પર અસર, બાદમાં સ્થિતિ સામાન્ય
આ ઘટનાના કારણે નાગપુર–સેવાગ્રામ રેલવે લાઈન થોડા સમય માટે બંધ કરવી પડી હતી, જેના પરિણામે કેટલીક ટ્રેનો મોડી પડી હતી. જો કે, આગ પર કાબુ મેળવ્યા બાદ અને તમામ સુરક્ષા ચકાસણીઓ પૂર્ણ થયા પછી સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. ત્યારબાદ નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસને તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel