ગુજરાત સરકારે વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન અપાવવા અને આસ્થા સાથે આર્થિક વિકાસને જોડવા માટે અંબાજી, સોમનાથ, લોથલ સહિત અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ અને પ્રવાસન વિકાસ દ્વારા સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે.
શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ₹300 કરોડના ખર્ચે ‘અંબાજી કોરિડોર’ માસ્ટરપ્લાન અમલમાં મૂકવામાં આવશે. કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈન મહાકાલ લોક જેવી ધાર્મિક વિકાસ યોજનાઓના ધોરણે મંદિર પરિસરનું સૌંદર્યીકરણ, ભક્તોની અવરજવર સરળ બનાવતી સુવિધાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી અંબાજીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ આકર્ષક તીર્થસ્થળ બનાવવાનો સરકારનો પ્રયાસ છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ માટે પરિવહન સુવિધાઓ મજબૂત કરવા ₹447 કરોડના ખર્ચે આઇકોનિક બસ સ્ટેશન અને મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવશે. આ સાથે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી માટે ₹20 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનાથી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વિકાસોથી રાજ્યમાં પ્રવાસન, વેપાર અને કનેક્ટિવિટી બંનેમાં વધારો થવાની સંભાવના છે.
શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ હેઠળ ગિરનાર મહાશિવરાત્રી મેળો અને મા નર્મદા પરિક્રમા પથ પર પદયાત્રીઓ માટે ₹20 કરોડના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. દ્વારકા, ડાકોર અને માતાના મઢ (આશાપુરા) ખાતે પ્રવાસી સુવિધાઓ વધારવાનો પણ આયોજન છે. હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લોથલ ખાતે PPP મોડલ પર ટ્રંક ફેસિલિટી વિકસાવવામાં આવશે, જ્યારે સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદર ખાતે બીચ ટુરિઝમ વિકાસ માટે ₹60 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા ‘વેડ ઇન ગુજરાત’ (Wed In Gujarat) અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલથી રાજ્યમાં ડેસ્ટિનેશન વેડિંગ્સને પ્રોત્સાહન મળશે, પ્રવાસન ઉદ્યોગમાં રોકાણ વધશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel