ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે દાયકા પહેલા રોપાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી’ અભિયાન આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓ અને પ્રવાસન વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નોના પરિણામે ગયા વર્ષે 22.27 કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. વિધાનસભામાં પ્રવાસન પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓને પણ મંજૂરી આપવામાં આવી હતી.
પ્રવાસન બજેટમાં મોટો વધારો
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2001-02માં પ્રવાસન વિભાગનું બજેટ માત્ર ₹12 કરોડ હતું, જ્યારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તે વધીને ₹2101.02 કરોડ થયું છે. રાજ્યના પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ માટે કુલ ₹3089.63 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. સરકાર હવે રાજ્યના મુખ્ય યાત્રાધામોને ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી ગુજરાત વિશ્વ સ્તરે શ્રેષ્ઠ યજમાન તરીકે ઉભરાય.
પ્રવાસન ક્ષેત્રે મોટા રોકાણ માટે MoU
પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રાજ્ય સરકારે મોટા પાયે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે. મહેસાણા અને રાજકોટ સમિટ દરમિયાન પ્રવાસન ક્ષેત્રે અનેક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મહેસાણા VGRCમાં ₹1236 કરોડના રોકાણ અને કચ્છ-રાજકોટ VGRCમાં ₹1527 કરોડના સૂચિત રોકાણ માટે કરાર કરવામાં આવ્યા છે. આ રોકાણથી રાજ્યમાં નવા પ્રવાસન પ્રોજેક્ટ્સ અને આધુનિક સુવિધાઓ વિકસાવાશે.
ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના
પ્રવાસન ક્ષેત્રમાં કોર્પોરેટ કાર્યશૈલી અને PPP મોડને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર ‘ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની’ (SPV) અને ‘ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ’ સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ સંસ્થાઓ રાજ્યના પ્રવાસન વિકાસ માટે નવી નીતિઓ અને રોકાણને આગળ વધારવામાં મદદરૂપ બનશે.
સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મંદિરના પુનઃનિર્માણના સંકલ્પને 75 વર્ષ પૂર્ણ થતાં તાજેતરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણ મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ અને માધવપુર મેળા જેવા કાર્યક્રમોનું પણ ઐતિહાસિક આયોજન કર્યું છે.
સરદાર પટેલની શાળાને હેરિટેજ દરજ્જો
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નડિયાદ સ્થિત N.K. હાઈસ્કૂલને હેરિટેજનો દરજ્જો આપી તેની વિકાસ કામગીરી માટે ₹5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા ઐતિહાસિક શિક્ષણ સંસ્થાને પ્રવાસન દ્રષ્ટિએ પણ વિકસાવવામાં આવશે.
જુનાગઢ મહાશિવરાત્રી મેળા માટે ₹15 કરોડ
જૂનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળાને ગુજરાતનો કુંભ મેળો ગણાવવામાં આવે છે. આ ભવ્ય મેળાના આયોજન માટે સરકાર દ્વારા ₹15 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના ‘ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ-2025’ અનુસાર વિદેશી પ્રવાસીઓની પસંદગીમાં ગુજરાત આજે દેશમાં ત્રીજા ક્રમે છે, જે રાજ્યની મજબૂત પ્રવાસન નીતિ અને સુરક્ષિત વાતાવરણનું પ્રતિબિંબ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel