કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય ડ્રગ્સ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મોટા સ્તરે તૈયારીઓ કરી રહ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય સુરક્ષા એજન્સીઓના અહેવાલના આધારે, અંદાજે 16 હજાર જેટલા વિદેશી નાગરિકો, જેઓ વિવિધ રાજ્યોમાં ડ્રગ્સની હેરાફેરી, સપ્લાય ચેઇન, પરિવહન અને વેચાણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે, તેમનો દેશનિકાલ (ડિપોર્ટેશન) કરવામાં આવશે.
અહેવાલો મુજબ, આ વિદેશી નાગરિકોમાં સૌથી વધારે નાઇજીરીયા, ઘાના, મ્યાનમાર, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ અને મલેશિયાના નાગરિકો છે. આ લોકો ડ્રગ્સ સપ્લાય નેટવર્કમાં મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરતા હતા. ઘણા નાગરિકો હાલમાં દિલ્હી, મુંબઈ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની જેલોમાં કે ડિટેન્શન સેન્ટરોમાં બંધ છે. ગૃહ મંત્રાલયે તેમની યાદી તૈયાર કરીને સંબંધિત રાજ્યોની સરકારોને અને ઇમિગ્રેશન વિભાગને સુપરત કરી છે.
આ કાર્યવાહી નવા ઇમિગ્રેશન કાયદા અને કડક કાનૂની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવશે. ડ્રગ્સ હેરાફેરીને કારણે ભારતમાં યુવાવર્ગમાં વ્યસન, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને ગુનાખોરી વધતી જતી હોવાના કારણે કેન્દ્ર સરકારે આ અભિયાનને અતિ પ્રાથમિકતા આપી છે. દેશનિકાલ કરવાના પહેલા દરેક કેસની સમીક્ષા કરવામાં આવશે અને આરોપ સાબિત થતા જ તેમને તેમના પોતાના દેશોમાં પરત મોકલવામાં આવશે.
વિશેષજ્ઞોના મતે, આ કદમથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને મોટો ઝટકો લાગશે અને ભારતને “ટ્રાન્ઝિટ પોઇન્ટ” તરીકે ઉપયોગ કરતી ગેંગ્સ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતના કાયદાનો ભંગ કરનાર કોઈપણ વિદેશી નાગરિકને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે.
આ પગલું માત્ર કાનૂની કડકાઈ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ નીતિને મજબૂત બનાવશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે રાજ્ય પોલીસ અને ઇમિગ્રેશન એજન્સીઓ સતત સંકલનમાં રહીને આ અભિયાનને અમલી બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel