સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવામાં આવેલી વાઘ-વાઘણની જોડી આજે (9 ફેબ્રુઆરી) ડિસ્પ્લે એરિયામાં મુકવામાં આવશે. જોકે, મુલાકાતીઓ તેમને નજીકથી ત્યારે જ નિહાળી શકશે જ્યારે ફરજિયાત ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થશે. આ નવા મહેમાનોના આગમનથી સુરતના નેચર પાર્કમાં સહેલાણીઓની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં ‘એનિમલ એક્સચેન્જ સ્કીમ’ અંતર્ગત આ વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી છે. વાઘનું નામ ‘અભય’ અને વાઘણનું નામ ‘શ્રી’ છે. બંનેએ ભુવનેશ્વરથી સુરત સુધીની આશરે 1675 કિલોમીટર લાંબી મુસાફરી માત્ર 48 કલાકમાં પૂર્ણ કરી છે. લાંબી મુસાફરી દરમિયાન તેમની આરોગ્ય સલામતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રાણી સંગ્રહાલયના નિયમો અનુસાર, જ્યારે કોઈ પ્રાણીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે તેને ક્વોરન્ટાઇનમાં રાખવું અનિવાર્ય હોય છે. ક્વોરન્ટાઇનનો હેતુ પ્રાણીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ, નવા વાતાવરણ સાથે અનુકૂળતા અને કોઈ સંભવિત રોગચાળો ફેલાતો અટકાવવાનો છે. નેચર પાર્કના અધિકારી હિના પટેલે જણાવ્યું હતું કે ભુવનેશ્વર અને સુરતના હવામાનમાં તફાવત હોવાથી પ્રાણીઓને સંપૂર્ણ રીતે એડજસ્ટ થવા માટે 45 દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ રાખવામાં આવ્યો છે.
હાલમાં વાઘ-વાઘણની જોડી ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે અને ડિસ્પ્લે એરિયામાં શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ક્વોરન્ટાઇન પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે આ શાહી જોડી મુખ્ય આકર્ષણ બની રહેશે. વન્યજીવોના સંરક્ષણ અને લુપ્ત થતી પ્રજાતિઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ પર્યાવરણ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા સુરત ઝૂ દ્વારા આ પહેલ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel