નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G RAM G]” યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને ભાજપના અગ્રણી જાનવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈઓ અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા પરિવર્તનો વિશે જનતાને માહિતગાર કરવાનો હતો.
નડિયાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM G’ અધિનિયમ ૨૦૨૫ ને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ ૨૦૦૫ માં શરૂ થયેલી મનરેગા યોજનાના સ્થાને આ નવો અધિનિયમ લાવવામાં આવ્યો છે, કારણ કે વર્ષ ૨૦૧૧-૧૨ માં ગ્રામીણ ગરીબી ૨૫.૭ ટકા હતી જે ૨૦૨૩-૨૪ માં ઘટીને ૪.૮૬ ટકા થઈ છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃસંયોજન કરી તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વિપક્ષો દ્વારા આ ક્રાંતિકારી યોજના અંગે ફેલાવવામાં આવતા ભ્રમને દૂર કરવા અને શ્રમિકો સુધી સાચી હકીકતો પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ નવી યોજના હેઠળ શ્રમિકોને અગાઉ મળતા ૧૦૦ દિવસના કામના બદલે હવે ૧૨૫ દિવસના કામની ગેરંટી આપવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના ૬૦ દિવસ ફાળવી શકશે, જેથી કુલ ૧૮૫ દિવસની રોજગારી મળી શકશે. બજેટની જોગવાઈઓમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મનરેગાનું બજેટ ૩૫ હજાર કરોડ રૂપિયા હતું જે વધારીને ૭૪ હજાર કરોડ કરાયું હતું અને હવે VB-G RAM G માં કેન્દ્રનો ફાળો ૯૫ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. આ યોજનામાં ૬૦ ટકા ફંડ કેન્દ્ર અને ૪૦ ટકા ફંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. વેતન ચૂકવણીની પ્રક્રિયામાં પણ સુધારો કરીને ૧૫ દિવસના બદલે સાપ્તાહિક ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel