ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં ચાર સિંહ બાળના મૃત્યુ થતાં રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી વન વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી અને સિંહોની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા આપી છે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવે બેઠક દરમિયાન માહિતી આપતા જણાવ્યું કે ગીરના વિવિધ વિસ્તારોમાં ચાર સિંહ બાળના મૃત્યુ નોંધાયા છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા વન વિભાગે આગોતરા સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં 17 સિંહોને આઇસોલેટ કરીને નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખ્યા છે. આ તમામ સિંહોની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારમાં 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતાં તમામ સિંહોનું સઘન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી કોઈ અન્ય સિંહમાં ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી. માત્ર જંગલ જ નહીં પરંતુ અમરેલી અને ભાવનગર જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં પણ વન વિભાગ દ્વારા દૈનિક હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ઉનાળાની શરૂઆત સાથે સિંહોમાં ઇતરડી (Ticks) દ્વારા ફેલાતી સીઝનલ બીમારીઓ, ખાસ કરીને બબેસિયા ઇન્ફેક્શનનો ખતરો વધે છે. આથી બચવા માટે વન વિભાગે ગીર વિસ્તારમાં 350થી વધુ સિંહો માટે ‘ડી-ટિકિંગ’ અભિયાન શરૂ કર્યું છે. આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારનું સંક્રમણ ફેલાય નહીં.
સાથે જ જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત તબીબોની ટીમને મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. તેઓ સિંહોની સારવાર, સેમ્પલ ટેસ્ટિંગ અને મેડિકલ નિરીક્ષણમાં મદદ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી છે કે ગીરના સિંહોના સંરક્ષણમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારે વન્યજીવ પ્રેમીઓને આશ્વાસન આપ્યું છે કે સિંહોની સુરક્ષા માટે તમામ જરૂરી તબીબી, વૈજ્ઞાનિક અને કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel