વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના (Mission LiFE) વિઝનને સાર્થક કરે છે.
સામાન્ય ઇવેન્ટ મેનેજમેન્ટથી એક ડગલું આગળ વધીને, આ સમગ્ર આયોજનને પર્યાવરણ જાગૃતિના એક વિશાળ કેનવાસમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.
‘ભારતના સૌથી સ્વચ્છ શહેર’ તરીકેની સુરતની સફરને ઉજાગર કરતા કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલા આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો-ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે.
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મુખ્ય મંચનું બેકડ્રોપ (સ્ટેજની પાછળનો ભાગ) સુરતની ફાઈન આર્ટસ કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા માત્ર રિસાયકલ કરેલા કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.
ફ્લેક્સ બેનરો અને કૃત્રિમ સજાવટના બદલે, મુલાકાતીઓનું સ્વાગત હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ અને બિનજરૂરી વસ્તુઓમાંથી તૈયાર કરાયેલા શિલ્પો દ્વારા થશે, જે રોજિંદા વેસ્ટને અર્થપૂર્ણ કળામાં પરિવર્તિત કરે છે.
લોક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, નાગરિકો દ્વારા પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી વિષય પર બનાવેલી 5,000થી વધુ કલાકૃતિઓને કાર્યક્રમની સજાવટમાં સામેલ કરવામાં આવી છે.
આ સમગ્ર આયોજન નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સર્જનાત્મક વ્યાવસાયિકોનો સહિયારો પ્રયાસ છે, જે સાબિત કરે છે કે મોટા પાયે જાહેર કાર્યક્રમો સ્થાનિક કળા અને સંસ્કૃતિની ઉજવણી સાથે શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ (Zero-carbon footprint) સાથે પણ યોજી શકાય છે.
આ કાર્યક્રમની ડિઝાઇન સૌર ઊર્જા, જળ સંરક્ષણ, ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક લક્ષ્યો પર આધારિત છે.
આજે જ્યારે વડાપ્રધાન સુરતમાં જનમેદનીને સંબોધિત કરશે, ત્યારે લોકોનું ધ્યાન માત્ર મંચ પર જ નહીં, પરંતુ મંચની સજાવટ પર પણ ખેંચાશે અને લોકો પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા મેળવી શકશે.
પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) અને મિશન લાઈફ જેવી થીમને કેન્દ્રમાં રાખીને, સુરત માત્ર એક કાર્યક્રમનું આયોજન નથી કરી રહ્યું, પરંતુ ભારતના હરિયાળા ભવિષ્યનું એક જીવંત મોડેલ અને માપદંડ રજૂ કરી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel